મુંબઈનાં ગુજરાતી આર્ટિસ્ટ કાનન ખાંટનાં પેઇન્ટિંગ્સનું સોલો એક્ઝિબિશન પ્રતિષ્ઠિત નહેરુ સેન્ટર આર્ટ ગૅલેરીમાં યોજાશે
લોક્પ્રિય અભિનેત્રી નેહા મેહતાના હાથે ખુલ્લા મુકાનારા આ કલા પ્રદર્શનમાં એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડ પણ હાજરી આપશે.
વરલીસ્થિત પ્રતિષ્ઠિત નહેરુ સેન્ટરની આર્ટ ગૅલેરીમાં 10થી 16 ઓગસ્ટ 2021 દરમિયાન મુંબઈનાં ગુજરાતી આર્ટિસ્ટ કાનન ખાંટનાં પેઇન્ટિંગ્સનું સોલો (સ્વતંત્ર) એક્ઝિબિશન ‘ઝોઇ બાય કાનન’ યોજાશે જે રોજ સવારના અગિયાર વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ખુલ્લું રહેશે અને એમાં કાનન ખાંટના 50થી વધુ પેઈન્ટિંગ્સ પ્રદર્શિત થશે. આ એક્ઝિબિશનનું ઉદઘાટન લોકપ્રિય અભિનેત્રી નેહા મહેતા કરશે. મહારાષ્ટ્રના એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડ સહિત જુદાજુદા ક્ષેત્રની પર્સનેલિટિઝ પણ આ એક્ઝિબિશનની મુલાકાત લેશે.
કાનન ખાંટ કરીઅરની શરૂઆતમાં વિખ્યાત અંગ્રેજી અખબાર જૂથનાં મેગેઝિનમાં આર્ટિસ્ટ તરીકે જોડાયાં હતાં અને ત્યાં પાંચ વર્ષ સુધી ફરજ બજાવ્યા પછી બે દાયકા અગાઉ તેમણે ઇન્ડિવિઝયુઅલ આર્ટિસ્ટ તરીકે પેઇન્ટિંગ્સ બનાવવાનું શરૂ કર્યું હતું. તેમનાં પેઇન્ટિંગ્સ વિદેશોના અનેક કલાપ્રેમીઓનાં ઘરો સુધી પણ પહોંચ્યાં છે.
ઉલ્લેખનીય છે કે ઈન્ડિયા આર્ટ ફેસ્ટિવલ દ્વારા 2018માં નહેરુ સેન્ટરમાં યોજાયેલા મુંબઈ આર્ટ ફેરમાં પણ કાનન ખાંટનાં પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન યોજાયું હતું.
કાનન કહે છે કે “દરેક કલાકારનું સપનું હોય છે કે નેહરુ સેન્ટર જેવી અત્યંત પ્રતિષ્ઠિત આર્ટ ગેલેરીમાં તેના પેઈન્ટિંગ્સનું સ્વતંત્ર પ્રદર્શન યોજાય. મારું એ સપનું પૂરું થઈ રહ્યું છે એથી હું ખૂબ જ આનંદ અનુભવું છું. મેં આ પ્રદર્શનનું ટાઇટલ ‘ઝોઇ બાય કાનન’ રાખ્યું છે. ઝોઇ એક ગ્રીક શબ્દ છે જેનો અર્થ થાય છે ‘જીવન’. ઘણા કલાકારો સામાન્ય રીતે એક થીમ પસંદ કરે અને તેની આસપાસ આર્ટવર્કસ બનાવે. પરંતુ મારી કળા જીવનથી પ્રેરિત છે, અને જીવન પોતે જ એક વૈવિધ્યસભર રહસ્ય છે એટલે મારા આર્ટવર્કમાં એકથી વધારે થીમ્સ રિફ્લેક્ટ થતી હોય છે. મારા આર્ટવર્કસ જીવનના વિવિધ શેડ્સ અને લાગણીઓને રજૂ કરે છે. એ સ્ત્રીત્વની શક્તિને પણ રજૂ કરે છે. મેં પૌરાણિક કથાઓની સ્ત્રીઓને તેમના મુક્ત-વહેતા સ્વરૂપોમાં સન્માનિત કરતી એક થીમ બનાવી છે. મને મારી કળા સાથે પ્રયોગ કરવા પણ ગમે છે અને હું સતત શીખતી રહી છું.
”મારા આર્ટવર્કસ ભારતના ભૂતકાળનું સન્માન કરે છે અને વર્તમાનમાં સ્થાપિત રહેવા મદદ કરે છે. ઉદાહરણ તરીકે, મેં કલમકારી આર્ટ ફોર્મનો ઉપયોગ કરીને પાંચ પેઇન્ટિંગ્સ બનાવ્યાં છે જે સ્ત્રીત્વ પર કેન્દ્રિત છે – મહિલાઓ પર કલર પાવર કેવો દેખાય તે વ્યક્ત કરવાની મારી આ રીત! બીજી વસ્તુ જે તમે મારા આર્ટવર્કસમાં જોશો તે છે બ્યુટિફુલ લેન્ડસ્કેપ્સ અને દ્રશ્યો. મારી જર્નીમાં મેં એ સઘળું જોયું છે. પેઇન્ટિંગ્સ દ્વારા હું હિમાચલ પ્રદેશના સ્પિટી જેવા સ્થળોને ફરીથી જીવવાનો પ્રયાસ કરી રહી છું!”