Editor’s Corner – Siddharth Chhaya’s Insights on Matrubharti content creators

Siddharth Chhaya

લખો અઢળક લખો પણ જરા વિચારીને

મારા સહ-સંપાદક કંદર્પ પટેલે આમતો તેમના બ્લોગમાં માતૃભારતી પર પોતાના કન્ટેન્ટ લખતા અને પ્રકાશિત કરતા લેખક મિત્રો અને સખીઓને આપવા જેવી તમામ સલાહ આપી દીધી છે એટલે મારે તેમાં કોઈ વધારો કરવો નથી, અને એની શક્યતા પણ કંદર્પભાઈએ છોડી નથી. પણ હું કેટલીક મૈત્રીપૂર્ણ વાતો જરૂર કરીશ જેનાથી મારા માતૃભારતીના સહ લેખકો અને સહ લેખિકાઓને કદાચ તેમના લખાણને વધારે ખીલવવામાં મદદ થશે.

ગુજરાતી ભાષા જો યુવાનો વાંચશે તો એ સદાકાળ યુવાન રહેશે. યુવાનોની માનસિક પરિસ્થિતિ એવી હોય છે કે એમને ના પાડવાનું બહુ ગમતું નથી. પોઝીટીવ વિચારોના લેક્ચર્સ ભર્યા પછી “જીવન ચલને કા નામ ચલતે રહો સુબહો શામ” એ એમનો મંત્ર બની ગયો છે અને મારા લગભગ એક વર્ષ ઉપરના માતૃભારતીના એડિટર તરીકેના અનુભવમાં એ જોવા પણ મળ્યો છે. પોઝીટીવ રહેવું જરાય ખોટું નથી પરંતુ તેમાં એક ઠહેરાવની પણ જરૂર છે.

જે મનમાં આવે તે કાગળ પર ઠાલવી દેવાનું અને પછી એને સીધું અપલોડ કરી દેવાનું એ કાયમ કામમાં આવતું નથી. યુવાન લેખકો અને લેખિકાઓઓના લખાણમાં જે બાબત મને સદાય ખટકે છે એ છે મેચ્યોરીટીનો અભાવ. યાદ રહે, હું તમામ યુવા લેખકો અને લેખિકાઓને એકજ રંગે નથી રંગી રહ્યો કારણકે માતૃભારતીનો ટ્રેક રેકોર્ડ છે કે તેણે મહત્તમ યુવા લેખકો અને લેખિકાઓને લોકપ્રિય બનાવ્યા છે. મારો કહેવાનો મુદ્દો માત્ર એટલો જ છે કે આપણે આપણને ગમે તેના માટે લખીએ છીએ કે પછી આપણા વાચકને ગમે તેના માટે?

અલબત્ત પોતાને ગમે એ લખીએ તો જ સારું લખી શકીએ અને તો જ અન્યો ને ગમે, પણ માત્ર પોતાનેજ ગમે અને પોતાને ગમે એટલે બધાને ગમે એ બંને ઘટનાઓ વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. માતૃભારતીના એડિટર તરીકે અસંખ્ય વાર્તાઓ અથવાતો નવલકથાઓમાં મને કોઈની કોલેજની કે કોલેજ તરફની સફરની અથવાતો મિત્રોની કથાઓ ખૂબ જોવા મળી. આપણને આપણી વાતો કહેવી ગમે એ સ્વાભાવિક છે પણ તે તમામને ગમશેજ એ જરૂરી નથી. પરિણામે “માતૃભારતી બોલે છે તો બહુ પણ મારી વાર્તાને (અથવાતો નવલકથાને) પચાસ ડાઉનલોડ પણ ન મળ્યા.” આવી ફરિયાદ મનમાં આપોઆપ ઉભી થતી હોય છે.

પોતાના દિલની નજીક હોય એવી વાર્તા સૌથી પહેલી લખવી તેમાં હું પણ માનું છું અને કદાચ એટલેજ ‘શાંતનુ’ અત્યંત લોકપ્રિય બની. પણ તે માન્યતા પહેલી નવલકથા સુધી યોગ્ય છે, પણ પછીના લખાણ આપણે લોકભોગ્ય બનાવવાના છે. આપણને તો ગમે જ પરંતુ આપણે લખેલું બીજાને પણ ગમે તે જરૂરી છે. એક વાર વાચકોને શું જોઈએ છીએ એ વિચારીએ અને લખીએ અને પછી જુઓ ફટાફટ ડાઉનલોડ્સ વધે છે કે નહીં?

હપ્તાવાર નવલકથા લખનારાઓ પછી તે યુવા વયના હોય કે પછી અન્ય કોઈ વયજૂથના હોય છેલ્લા છ મહિનામાં મેં એક વસ્તુ બરોબર નોંધી છે અને તે છે પોતાના પ્રકરણોને માત્ર એકાદ હજાર શબ્દોમાં પૂરું કરવાની જીદ. આ જીદ પાછળ કોઈ એવો મતલબ ખરો કે એક હજાર શબ્દોની આસપાસ પ્રકરણ લખાય એટલે વધુ પ્રકરણ લખાય અને એટલે મને મળતા કુલ ડાઉનલોડની સંખ્યા વધી જાય અને મારું નામ માતૃભારતીના ટોપ લેખકોમાં આવે?

પણ મારા નમ્ર મતે આમ કરવું એ તમારી સાથે, માતૃભારતી સાથે અને તમારા વાચકો સાથે અન્યાય છે. કન્ટેન્ટ સારું હશે તો ડાઉનલોડ વધવાના છે જ એ સનાતન સત્ય છે. તમારી નવલકથાના પ્રકરણોને તમે માત્ર એક હજાર શબ્દોની લીમીટમાં બાંધી લેશો તો વાચકને પોતે ઠગાયાનો અનુભવ થશે. જ્યારે તમે કોઈ ફિલ્મ જોવા જાવ છો ત્યારે તમને ઈન્ટરવલ સુધીની ફિલ્મ દેખાડીને એમ કહે કે બાકીની ફિલ્મ જોવા આવતા શુક્રવારે પાછા આવજો અને એની ટીકીટ પણ ફરીથી લેવામાં આવશે તો?

બસ આવું જ કશુંક તમારો વાચક ફિલ કરશે જ્યારે તમે એને ઓછામાં ઓછા બે હજાર શબ્દોથી ઓછા શબ્દોમાં લખાયેલું નવલકથાનું પ્રકરણ વાંચવા આપશો. મીડિયા સાથે સંકળાયેલા હોવાથી મને ખ્યાલ છે આંતરરાષ્ટ્રીય ધોરણ તો એમ કહે છે કે જ્યારે તમે કોઈ છાપા કે મેગેઝીનમાં હપ્તાવાર નવલકથા લખો છો ત્યારે તેનું દરેક પ્રકરણ 2200-2300 શબ્દોનું હોવું જોઈએ, હવે વિચારો આ ધારાધોરણ સામે આપણે તો આપણી નવલકથાનું પ્રકરણ એક હજાર શબ્દોમાં જ પતાવી દઈએ છીએ!

હું તમને મારી વાત કરું. મારી ત્રીજી નવલકથા સૌમિત્રને મેં માતૃભારતીના મહેન્દ્રભાઈને મળીને આખું વર્ષ લખવા દેવાની વિનંતી કરી હતી. મહેન્દ્રભાઈએ મંજૂરી આપતાજ મેં તમામ બાવન હપ્તાનો પ્લોટ વિગતવાર તૈયાર કર્યો. પ્રકરણવાર 2500 શબ્દો રાખવાની આદત તો શાંતનુથી પડી જ ગઈ હતી પણ લગભગ 48મો હપ્તો લખાયો ત્યારે ખ્યાલ આવ્યો કે કદાચ સૌમિત્ર 52 હપ્તામાં નહીં પતે એટલે ત્રણ હપ્તાનું એક્સ્ટેન્શન મેળવી લીધું. હવે વિચાર કરો જો મેં પણ મારા અન્ય નવલકથાકારોની જેમ માત્ર એક હજાર શબ્દોની જ મર્યાદા રાખી હોત તો? હું આરામથી 110 પ્રકરણોવાળી નવલકથા બે વર્ષ સુધી ચલાવી શક્યો હોત.

મેં 2500+ શબ્દોના 55 પ્રકરણ લખ્યા તો પણ દરેક પ્રકરણ બરોબર વંચાયા અને આજે પણ તેને સારા ડાઉનલોડ્સ મળી રહ્યા છે. અહીં એક નોંધવાની બાબત એ પણ છે કે એક હજાર શબ્દોના પ્રકરણમાં મોટાભાગના લેખકો શરૂઆતના પચાસ થી સિત્તેર શબ્દોતો આગલા પ્રકરણમાં શું હતું તેમાં બરબાદ કરી દે છે. વિચારો આમ કરવાથી તમારા વાચકોને પોટેટો ચિપ્સનું પેકેટ ખરીદ્યા હોવાની લાગણી નહીં થતી હોય? માતૃભારતીમાં દરેક પ્રકરણ માટે સિનોપ્સીસની જગ્યા તમે એ પ્રકરણ અપલોડ કરો છો ત્યારે આપવામાં આવી જ છે. ત્યાં લખો ગયા પ્રકરણમાં તમે શું વાંચ્યું?

ઘણા લેખક લેખિકાઓ જે હપ્તાવાર નવલકથા નથી લખતા પરંતુ કોઈ અન્ય વિષય પર કન્ટેન્ટ લખે છે કે પછી કવિતાઓ કે ટૂંકી વાર્તાઓ લખે છે તેમને કદાચ એવી માન્યતા છે કે જેટલું વધારે અપલોડ કરીશ એટલા ડાઉનલોડ વધુ મળશે. જો તમે હપ્તાવાર નવલકથા નથી લખતા તો મારી સલાહ રહેશે કે મહિનામાં ચાર થી વધારે કન્ટેન્ટ અપલોડ ન કરો. ઘણા લેખક લેખિકાઓ એક વાર કમ્પ્યુટર કે લેપટોપ પર બેસે એટલે એકસાથે દસ બાર કન્ટેન્ટ અપલોડ કરી દે છે અને આવું સતત બે ત્રણ દિવસ ચાલતું હોય છે. બહેતર એ રહેશે કે શાંતિથી લખો, ઓછું લખો, લાંબુ લખો અને કન્ટેન્ટની ક્વોલીટી પર વધારે ભાર આપો. વાચકો આપોઆપ તમારા આવતા કન્ટેન્ટની રાહ જોશે.

ભાષાશુદ્ધિની ચર્ચા કંદર્પભાઈએ કરી છે એટલે વધુ તો નહીં લખું પણ એક સલાહ જરૂર આપીશ કે લોકબોલી પ્રમાણે જરૂર લખો પણ તે પાત્રોના સંવાદોમાં ઝલકે એવી કોશિશ કરો નહીં કે વાર્તા અથવાતો નવલકથાના વર્ણનમાં. નવલકથા કે વાર્તાનું વર્ણન બને ત્યાંસુધી શુદ્ધ નહીં તો સારી ગુજરાતીમાં જ હોય તે ઇચ્છનીય છે. બીજું ‘આપણે’ ની બદલે ‘આપડે’ લખવું એ બધું ફેસબુક પર શોભે નવલકથામાં નહીં, અફકોર્સ તમારું પાત્ર એમ બોલતું હોય તો ઠીક છે પણ જ્યારે તમે કોઈ વર્ણન કરતા હોવ ત્યારે ગુજરાતી ભાષાનો મહત્તમ ઉપયોગ કરવો જરૂરી છે.

એક બાબત એ પણ નોંધી છે કે એક વખત જોડણી અથવાતો વ્યાકરણની ભૂલોને લીધે રિજેક્ટ થયેલું લગભગ ચોવીસથી અડતાળીસ કલાકમાં જ બહુ ઓછા ફેરફાર સાથે ફરીથી અપલોડ થઇ જાય છે અને આથી તેને ફરીથી રિજેક્ટ કરવું પડે છે. આવું ત્રીજીવાર પણ જ્યારે થાય ત્યારે ચેતવણી આપવી પડે છે કે હવેથી જો ભૂલો સુધાર્યા વગર કન્ટેન્ટ આવશે તો ત્યારબાદ વગર વાંચે જ રિજેક્ટ કરાશે. કોઇપણ કન્ટેન્ટ આ રીતે રિજેક્ટ કરવામાં ખરેખર દુઃખ થાય છે અને આ લાગણી એ લેખકો સુધી પહોંચાડવા માટે હું ખાસ લખી રહ્યો છું જેમના કન્ટેન્ટ આ રીતે રિજેક્ટ થયા છે.

Also Read Kandarp Patel’s Article on same subject

જ્યારે પણ ભાષાશુદ્ધિ અથવાતો જોડણી કે વ્યાકરણમાં સુધારાની ટિપ્પણી સાથે તમારું કન્ટેન્ટ રિજેક્ટ થાય ત્યારે તેને ફરીથી અપલોડ કરવાની ઉતાવળ બિલકુલ ન કરો. તમે ખુદ તેને બે થી ત્રણ વાર ફરીથી વાંચી જાવ. જો તમને એમ લાગતું હોય કે તમારી કોઈજ ભૂલ નથી તો તમારી નજીક રહેતા કોઈ ગુજરાતીના શિક્ષકને તે જરૂર દેખાડો. મને વિશ્વાસ છે એ તમને યોગ્ય માર્ગદર્શન આપશે. અહીં હું ફરીથી એ નોંધીશ કે પાત્રો દ્વારા લોકબોલીમાં બોલાયેલા સંવાદોમાં વ્યાકરણ, ભાષાશુદ્ધિ કે જોડણી એડિટર તરીકે હું જોતો જ નથી, વાત માત્ર તમારા વર્ણન પૂરતી જ છે.

કેટલીકવાર પ્રથમ બે-ત્રણ હપ્તામાં ભાષા અને જોડણી વગેરેમાં કોઈજ પ્રોબ્લેમ ન હોય પણ બાદમાં તકલીફો એટલી બધી હોય કે વાત ન પૂછો. આવા સંજોગોમાં નવલકથાના પ્રથમ હપ્તાઓ ઓલરેડી પ્રકાશિત થઇ ગયા હોવાથી મજબૂરીમાં બાકીના જોડણીદોષ, વ્યાકરણદોષ વગેરેથી ભરપૂર હપ્તાઓને સ્વિકાર કરવા પડે છે.

માતૃભારતી જેવા સફળ મંચ પર સફળતા મેળવવી જરાય અઘરી નથી બસ કંદર્પભાઈ અને મેં આપેલી કેટલીક સલાહને ધ્યાન આપીને હવેથી તમારું કન્ટેન્ટ અપલોડ કરશો તો.

દિવાળી અને નવા વર્ષની ખૂબખૂબ શુભેચ્છાઓ!

Matrubharti is self publishing platform for writers

One comment: On Editor’s Corner – Siddharth Chhaya’s Insights on Matrubharti content creators

Leave a Reply to nivarozin rajkumar Cancel Reply

Your email address will not be published.

Site Footer