માતૃભારતીમાં એડિટર તરીકે એક વર્ષ સફળ સંપન્ન કર્યાનો આનંદ છે. સાહિત્યિક સમીકરણોમાં બંધાઈને તેને ઉકેલવાનો પ્રયત્ન સતત રહ્યો. ‘લેખક’ અને ‘લેખન’ – એમ બંનેનું સ્તર એકસાથે આગળ વધતું રહે તેમજ તેમને જરૂરી મદદ મળી રહે તેવી દરેક બનતી કોશિશ કરવામાં ઘણું શીખવાનું પણ મળ્યું. અંતત: દરેક વ્યક્તિનું લક્ષ્યાંક શ્રેષ્ઠ સુધી પહોંચવાનું જ હોય છે. અનેક લેખનશૈલી વાંચીને લેખકને મળવાની અદમ્ય ઈચ્છાઓ પણ થઈ. તેમના સંપર્કો શોધીને તેમની સરાહના કરવાનો નવો ગુણ પણ કેળવ્યો. જ્યારે એક જ પ્લેટફોર્મ પર આટલી વિશાળ સંખ્યામાં વ્યક્તિઓ પોતાની વાત રજૂ કરે ત્યારે તેમાંથી ચોક્કસ શૈલીને ઓળખવી અઘરી હોય છે. છતાં, દીવાલમાં બાકોરું પાડીને અચૂક વાંચવા બોલાવે તેવા લેખકોનો સાથ પણ ગમ્યો. અનેક અજાણ્યા લેખકો કે જેઓ કોઈ નાનકડાં ગામ કે શહેરમાંથી પોતાની વાત એટલી સ્પષ્ટપણે રજૂ કરતા હોય ત્યારે આનંદની લાગણી થાય એ સહજ છે.
જ્યારે લેખકો પોતાના વિષે ઇન્ટ્રો બાંધે, અને તેમાં કશુંક એવી વાત લખી હોય જે વાંચીને સાનંદાશ્ચર્ય થાય કે વ્યક્તિ કેવી રીતે પોતાની જીજ્ઞાસા અને લેખન પ્રત્યેના ઝનૂનને સાચવી લેતો હશે! તે કલમને નિરાશ નથી થવા દેતો. સમય કાઢીને કશુંક એવું સર્જન કરી જાય છે જે વાંચવું ગમે. ઓફિસ, બિઝનેસ, કૉલેજ અને દેશ-પરદેશમાંથી જ્યારે આટલી માત્રામાં સામગ્રી એક જ પ્લેટફોર્મ પર એકઠી થતી હોય ત્યારે તેના બાયફર્કેશન અને લેબલિંગમાં પણ એટલો જ સમય જતો હોય છે. આ દરેકને સમજવી પડે છે, પરકાયા પ્રવેશ જેવી વાત છે. કોઈ એક નવલકથાના ‘X’ ભાગ વિષે ઇન્ટ્રો બાંધતી વખતે આગળનો ભાગ શું હતો એ યાદ રાખીને આગળના એપિસોડની વાત આલેખવી, એ જ યોગ્ય છે. આવા સમયે, એક સાથે જ્યારે પંદર-વીસ નવલકથાઓ ચાલતી હોય ત્યારે લેખકના ડિસ્ક્રીપ્શનમાં ચેનચાળા કરવા પસંદ ન હોવા છતાં કરવા પડે છે. કામ અગવડતાભર્યું હોવાની સાથે તેને ઝીલી શકવાની સક્ષમતા પણ પૂરું પાડતું, જેથી તેને રસપૂર્વક કરવાનો લય જળવાઈ રહ્યો.
લગભગ 1800+ ઈ-બુક્સને વાંચ્યા પછી અમુક તારણો નજર સમક્ષ નીકળ્યા છે. આ દરેક ડિજિટલ કૉપી વાંચતી વખતે ‘એડિટર’ને બદલે એક સામાન્ય વાચક બની તેને સમજવી વધુ જરૂરી હતી. જેથી એક સામાન્ય વાચકને કેવી લાગણી થાય છે તે અનુભવવી જ રહી. ત્યારબાદ, એક ખરા નિષ્કર્ષ પર આવી શકાયું. જરૂરી નથી કે દરેક લેખકને વાત લાગુ પડે જ. વાચક, ચાહક અને ભાવકમાં ફર્ક તો રહેવાનો જ! પરંતુ, જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ એક પુસ્તક વાંચે છે ત્યારે તે આ ત્રણમાંથી કોઈ એક તો હોય જ છે. પુસ્તક વાંચ્યા પછી તે વિવેચક, ટીકાકાર કે ટીખળકાર પણ બની શકે છે. આ દરેક રીવ્યૂને જીરવવો અઘરો હોય છે. લેખક જ્યારે લખતો હોય છે ત્યારે તે દુનિયાનું શ્રેષ્ઠ સર્જન હોય છે પરંતુ જ્યારે તે લોકભોગ્ય બને ત્યારે તે સ્વાદાનુસાર જ વખાણ કે ટીકાને લાયક બનતી હોય છે. વખોડવા કે વખાણવા માટે વાચકની યોગ્યતા પણ ચકાસવી જરૂરી હોય છે. પરંતુ, જૂની કહેવત મુજબ ‘ગામને ગળણું ન બંધાય’. પોતે વધુ આગળ કેવી રીતે વધી શકાય તેના સિવાય બીજો કોઈ રસ્તો નથી.
હવે, એક એડિટર તરીકે દરેક વાત મૂકીશ. મને જે સુધારવા યોગ્ય જણાયું છે તે કહેવું જોઈએ તેવું મને લાગે છે. કેટલાંક મુદ્દાઓ, કે જેમના પર લેખક સામાન્યપણે ધ્યાન આપતો નથી. ઈટ્સ રીવ્યૂ ટાઈમ:
- ઘણીવાર લેખક ફાઈલ અપલોડ કરવામાં ઘણી ઉતાવળ કરતો હોય તેવું જણાય છે. અથવા પોતાનું જ લખાણ બીજી વખત વાંચવું પસંદ ન કરતા લેખકોના લખાણમાં માહિતીદોષ, વાતો-પાત્રો અને અન્ય સામાન્ય ભૂલો અનેકવાર રિપીટ થતી જોવા મળે છે.
– ઉકેલ એ છે કે, એક વખત લખાણ પૂરું થયા પછી તેને ત્યારે જ બંધ કરીને અન્ય પ્રવૃત્તિમાં વળગો. અમુક સમય પછી નિરાંતે બીજી વખત જે-તે લખાણને નિરાંતે જોઈશું તો ખ્યાલ આવશે કે આમાં હજુ ઘણી ક્ષતિઓ રહેલી છે. તે સુધારીને પછી કન્ટેન્ટને ફાઈનલાઈઝ કરવું જોઈએ.
- માતૃભારતી ટીમ તમારી ઈ-બુકનું લખાણને સુસંગત કવર પેજ બનાવે જ છે. પરંતુ, જો લેખકની ઈચ્છા હોય/આવડત હોય, કે તે પોતે જ પોતાના લખાણને અનુરૂપ કવર પેજ પોતે બનાવે. તેનું બીજું એક કારણ એ પણ છે કે, લેખક પોતે જ પોતાના લખાણ વિષે સૌથી વધુ જાણતો/સમજતો હોય છે. જો તે પોતે જ આ કામગીરી કરે તો વધુ સારી અસર જોવા મળી શકે.
- બહુવિધ કિસ્સાઓમાં એવું બન્યું છે કે, વાર્તા/આર્ટિકલ/માઈક્રોફિક્શનનું ટાઈટલ યોગ્ય નથી હોતું. કારણ કે, મોટેભાગે એવું બનતું હોય છે કે, લેખક વાર્તા/આર્ટિકલ કે અન્ય સાહિત્યિક લખાણ લખ્યા પછી તેનું ઉતાવળે ટાઈટલ નક્કી કરતો હોય છે. જે ખરેખર વ્યાજબી નથી. મહત્તમ વાર્તાઓમાં તેના કોઈ પાત્રનું નામ વાર્તાના ટાઈટલ તરીકે લેવામાં આવેલું છે. આર્ટિકલમાં કોઈ સામાન્ય ટેગલાઈન મૂકેલી હોય છે. ઘણી જગ્યાએ વાર્તા/આર્ટિકલની છેલ્લી લાઈનની તેના ટાઈટલ તરીકે પસંદગી કરવામાં આવે છે. જે વિષયવસ્તુની આજુબાજુ વાર્તા/આર્ટિકલ લખાયો હોય તેને સુસંગત ટાઈટલ હોવું જરૂરી છે.
– આવા સમયે લખાણનો સાર સમજીને તેનું લેબલિંગ કરવું જોઈએ. નામ વાંચીને વાચકના મનમાં ઉત્સુકતા થાય તે પ્રકારના ટાઈટલ હોય તો તમારું લખાણ વધુ ન્યાયિક લાગશે. વાર્તા/આર્ટિકલ લખ્યા બાદ જો ટાઈટલ આપવાનું હોય તો, ‘વાર્તાનો સાર શું છે?’, ‘આર્ટિકલનો મૂળ મુદ્દો શું છે?’, ‘કોઈ ટેગલાઈન છે ખરાં?’, ‘વાર્તામાં ઊંડી અસર પહોંચાડનારું કોઈ પાત્ર છે કે નહીં?’ આ પ્રશ્નો પોતાને પૂછ્યા બાદ જે યોગ્ય જવાબ મળે તે વાર્તાનું નામ રાખવું જોઈએ.
- અનુક્રમણિકા : આ મુખ્ય મુદ્દો છે. સામાન્ય રીતે, કવિતાના મામલે તે વધુ મહત્વનો છે. જ્યારે એક કરતા વધુ કવિતાઓનો સંગ્રહ હોય ત્યારે અનુક્રમણિકા લખવી જરૂરી છે. આનાથી લેખકને ખબર પડશે કે ખરેખર કયા વિષયને અનુલક્ષીને કવિતાઓ લખવામાં આવી છે. કોઈ ચોક્કસ બંધારણમાં કવિતા હોય તો તેના પ્રકારો વિષે પણ અનુક્રમણિકામાં જણાવવું જોઈએ. જેમ કે, ગીત, છંદ, હાઈકુ, વગરે..
- ડિસ્ક્રીપ્શન : જ્યારે તમે કોઈ વાર્તા/લઘુવાર્તા/આર્ટિકલ/કાવ્ય પ્રકાશિત કરો છો ત્યારે તે કયા વિષય પર આલેખાયેલું છે તેનો ઉલ્લેખ જરૂરથી કરવો જોઈએ. કારણ કે, લેખક સિવાય અન્ય કોઈને પણ તે લખાણ વિષે ઊંડી સમજ અથવા લાગણી જોડાયેલી હોતી નથી. માત્ર લેખક પોતે જ જે-તે રચનાને સમજી તેનું સાર સ્વરૂપે મૂલ્યાંકન કરી શકે છે. શક્ય હોય ત્યાં સુધી ડિસ્ક્રીપ્શન બોક્સમાં કન્ટેન્ટ વિશેની વિગતો લખવી જોઈએ.
- ટૂંકુ લખાણ લખવું ટાળવું જોઈએ. હા, એ માઈક્રોફિક્શન/કાવ્યનો સંગ્રહ હોય તો ચાલે. પરંતુ, વાર્તા અથવા આર્ટિકલ લખ્યો હોય ત્યારે તેનું યોગ્ય વિવરણ થયેલું હોય તે વધુ અપીલિંગ છે. ટૂકું લખાણ રસભંગ કરે છે. જ્યારે વાચક નિરાંતે તમારું લખાણ વાંચવાની શરુઆત કરે અને તરત જ તે પૂરું થઇ જાય તો તે વાચક તમે ગુમાવો છો. સતત ટૂંકુ લખાણ લખવાને લીધે તમારી પેટર્ન વિષે વાચકને ખ્યાલ આવે છે અને તમારું લખાણ સારું હોવા છતાં બીજી વખત તમને વાચવાની ચેષ્ઠા કરતો નથી. કમસેકમ, રસ જળવાઈ રહે, વાચકને સંતોષ મળી રહે અને તેણે આપના આવનારા અન્ય લખાણ વિષે ઉત્સુકતા જાગે તે વધુ મહત્વનું છે. લઘુવાર્તા હોય તો એક કરતા વધુ વાર્તાઓને એક ફાઈલમાં ગોઠવો અને ત્યારબાદ તેણે અપલોડ કરો. માસ ઓડિયન્સ કવર કરવા માટે ગુણવત્તાસભર કન્ટેન્ટની સાથે તેની લંબાઈ પણ એટલી જ મહત્વની છે.
Read Siddharth Chhaya’s Article on same subject.
- નિયમિતતા : માની લો કે આ તમારી કૉલમ છે. જે તમારે દર અઠવાડિયે લખવાની છે. દર અઠવાડિયે તમારા અમુક રીડર્સ તમારા કન્ટેન્ટને પ્રકાશિત થવાની રાહ જોઇ રહ્યા હોય છે. જે-તે નોવેલનો ‘X’ ભાગ આજે પ્રકાશિત થવાનો છે, તેમાં આજે સસ્પેન્સ ખૂલશે, નાયક શું કરશે? – આવા અનેક પ્રશ્નો સાથે અમુક અજાણ્યો વાચક કે જેને તમે ઓળખતા નથી, તે રાહ જોતો હોય છે. તેથી લખાણમાં નિયમિતતા ખૂબ જરૂરી છે.
– ઘણીવાર ઉતાવળે નવલકથાનો પહેલો ભાગ પ્રકાશિત કરી દીધા બાદ બાકીનો ભાગ સમયસર લખાતો નથી. તેને પરિણામે નવલકથાના શરુઆતના સમયગાળામાં જ તમે પકડ ગુમાવી દો છો. વાચક પણ છૂટે છે અને નવો વાચકવર્ગ કમાવવા માટે પણ ખૂબ મહેનત કરવી પડતી હોય છે. અમુક એપિસોડ લખાયા પછી જ તેણે પ્રકાશિત કરવાનું રાખવું જોઈએ, જેથી કોઈ અઠવાડિયે કોઈ ભાગ કારણોસર ન લખાઈ શક્યો હોય તો મદદ મળી રહે. ઉપરાંત, ઘણીવાર નવલકથાનો ઇન્ટ્રો હજુ પૂરી રીતે ન રચાયો હોય ત્યારે તેને પ્રકાશિત ન કરવી જોઈએ. આગળ વાર્તા લખ્યા બાદ એવું જોવા મળે છે કે, વાર્તામાં કોઈ પાત્ર ઉમેરવાનું બાકી રહી જાય અને પછી વાર્તામાં ગરબડ ઉભી થાય.
– લગભગ એવું જોવા મળે છે કે, વાર્તાની કનેક્ટિવિટી તૂટી રહી હોય તેવું જણાય. કારણ કે, સસ્પેન્સ ક્રિએટ કરવામાં જે-તે એપિસોડ કોઈ વાર્તાનો ભાગ ન રહેતા કોઈ ઈન્ડીવિઝ્યુઅલ લઘુવાર્તા બનીને ઉભો રહી જાય છે.
– આવા વખતે માહિતીદોષની અસંખ્ય જગ્યાએ ભૂલો જોવા મળે છે. જે તમારા વાચકને કદાચ જોવા ન મળે. કારણ કે, તે એવા સમયે જે-તે એપિસોડને વાંચવામાં વાર્તાને જજ કરવાનું ભૂલી જાય એવું પણ બની શકે છે. કશુંક મિસિંગ હોય તેવું જણાય છે અને વાર્તાને ચરમ પર લઇ જવાને બદલે તેનું ગળું રુંધાઈ જાય છે.
Read Siddharth Chhaya’s Article on same subject.
- બંધારણ : ઘણા લખાણોમાં એવું જોવા મળ્યું છે કે, જ્યાં પેરેગ્રાફની જરૂરત જ ન હોય ત્યાં વિના કારણોસર પેરેગ્રાફ મૂકેલા હોય. અને જ્યાં ખરેખર માહિતી અલગ પડે છે, બે વ્યક્તિ વચ્ચેની વાતચીત છે અથવા વર્ણન છે – ત્યાં પેરેગ્રાફ જ નથી. સળંગ એકધારું લખાણ આવે ત્યારે વાચક કંટાળે છે. તેથી વાર્તા કે આર્ટિકલનું ફોર્મેશન યોગ્ય રીતે થાય તે વધુ જરૂરી છે.
- જે જાણીતાં લેખકો છે, તેમની પુસ્તકો પણ એપિસોડિક પ્રકાશિત થતી હોય છે. તેવા દરેક લેખકોને પણ વાંચીને તેમાંથી મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી લખાણને વધુ યોગ્ય બનાવી શકાય. શબ્દો, તળપદી ભાષા, બોલચાલની ભાષા, હિંદી કે અંગ્રેજીનો જરૂર પૂરતો ઉપયોગ – આ દરેક વાતો એવી છે જેના પર નવોસવો લેખક કદી ધ્યાન આપતો નથી. પરંતુ એ જ લખાણનું હાર્દ હોય છે. જાણીતા લેખકોનું અનુકરણ નહીં પરંતુ તેની શૈલી અથવા વાર્તાપ્રવાહ કે આર્ટિકલ લખવાની સમજને જાણવી અગત્યનું છે.
– વાંચન વધારવાથી જ નવું વિચારી શકાય છે. ઉપરાંત, લેખકે એ પણ કાળજી લેવી જોઈએ કે વાચકોને તે હંમેશા કશુંક નવું પીરસતો રહે. તેનાથી શૈલી, ભાષા અને સંદર્ભો વિષે ક્ષમતા કેળવી શકાશે. લેખકે અમુક અંશે સજાગ રહેવું પણ જરૂરી છે. માત્ર પોતાના જ ભાવવિશ્વમાં મસ્ત રહેવાને લીધે તમારો લેખક તરીકેનો ચાર્મ અમુક સમયે ઓસરતો હોય તેવું લાગી શકે. તેથી નવીનતા જરૂરી છે.
– માત્ર સારી ફિલ્મોનું સ્ક્રીપ્ટમાં અનુકરણ કરવામાં આવે તો પણ ભાષાશૈલી અને વર્ણનાત્મક દૃષ્ટિકોણ કેળવાય છે. માત્ર એક જ લેખકને વાંચવાથી તેમની શૈલી, ભાષા, શબ્દો, વાક્યો એ તમારા લખાણમાં પણ જણાય એ સાહજિક છે. તેથી સમજ કેળવીને જાતે નવું સર્જન કરવું એ વધુ અગત્યનું છે.
– જ્યારે લેખક કોઈ વેબસાઈટ, ન્યૂઝપેપર, પુસ્તક કે અન્ય સોર્સમાંથી લખાણને કૉપી કરે છે કે તેનો અનુવાદ/ભાવાનુવાદ કરે છે ત્યારે મૂળ સર્જકનું નામ ત્યાં ટાંકવું જોઈએ. સ્પોર્ટ્સમેનશીપ દરેક જગ્યાએ હોવી જોઈએ. ઘણીવાર એવું બને કે, પોતાને જે કહેવું છે તે લેખક પોતે ના કહી શકે ત્યારે તે અન્ય સર્જકનું બંધબેસતું લખાણ પોતાના આર્ટિકલ કે વાર્તામાં લેતો હોય છે. પરંતુ, તેવે વખતે મૂળ સર્જકના નામનો ઉલ્લેખ કાવો ખૂબ જરૂરી છે.
- વ્યાકરણ અને ભાષાશુદ્ધિ : અંતે જરૂરી મુદ્દો છે, ભાષાશુદ્ધિ. ગમે તેટલું સારું લખાણ હોય, છતાં જોડણી કે વ્યાકરણની અનેક જગ્યાએ ભૂલો હોય ત્યારે વાચકને મજા ન પડે તે સ્વાભાવિક છે. જો તમારો વાચક વર્ગ હજુ અપરિપક્વ હોય તો એ તમને ઉત્તેજન આપી શકે છે. પરંતુ, ભાષાની પ્રવાહિતામાં એ ખૂટતું અંગ છે. ઘણી જગ્યાએ, શબ્દોમાં એટલી ભૂલો જણાય કે જો સમજદાર વ્યક્તિ જોડણીની ભૂલ જોવા બેસે તો અનેક વાક્યોના અર્થ બદલાઈ જાય. જરૂરી નથી કે તમે ખૂબ ચોકસાઈપૂર્વક દરેક બાબતોનું ધ્યાન રાખો. પરંતુ, જે સામાન્ય અને રોજિંદી લેખનશૈલીમાં ઉપયોગમાં લેવાતા શબ્દો છે કમસેકમ તે ભૂલરહિત લખાય તે જરૂરી છે.
– તેના માટે લેખક ભગવદ્ ગોમંડળ, ગુજરાતી શબ્દકોષ અને મુખ્યત્વે સાર્થ જોડણીકોશની મદદ લઇ શકાય છે. આ કશી માથાકૂટમાં પડ્યા સિવાય પણ જોડણી સુધારવાનો એક રસ્તો છે. તમે જ્યારે-જ્યારે કોઈ અન્ય જાણીતા લેખકની હાર્ડકૉપી (પુસ્તક) વાંચો ત્યારે તેમાં છપાયેલા શબ્દોને બાજુમાં લખી રાખવાના રાખવા અથવા તો યાદ રાખી લેવાના. જ્યારે આપણે પોતાને લખવાનું થાય ત્યારે તે શબ્દો સાચી રીતે લખાય તેનું ધ્યાન રાખીને લખાણ ભૂલરહિત બનાવી શકાય છે. જોડણી પ્રત્યે સજાગતા ખૂબ જરૂરી છે. કદાચ વ્યાકરણમાં ઊંડું ઉતરવું એ હાલમાં ભૂલભરેલું લાગે પરંતુ જરૂરી છે કે એક વખત તેની પણ સમજ કેળવી લેવી જોઈએ. ઘણાં એવા શબ્દો છે કે જે આપણા લખાણમાં વારંવાર ઉપયોગમાં લેવાતા હોય પરંતુ તે શબ્દ જ શબ્દકોશમાં હોતો નથી. તેથી જરૂરી છે કે આ નાની-નાની બાબતો વિષે જાગરૂકતા કેળવાય.
જો કે, આ દરેક બાબતોને ક્ષતિ તરીકે ગણવી નહીં. જો આપણા લખાણમાં કોઈ આવી બાબત જણાય તો તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો. આ દરેક બાબતો માત્ર ધ્યાન દોરવા બદલ છે, જે મને એડિટિંગ દરમિયાન જણાયું છે. લખતા રહીએ, વાંચતા રહીએ.
7 comments: On Editor’s Corner- Kandarp Patel’s suggestions to writers of Matrubharti
ખુબ સરસ માહિતી આપી , આભાર માત્રુભારતી
વાહ … સરસ સમજાવટભરી રજૂઆત
Thank you, Nivarozin Rajkumar.
સરસ સમજ, માર્ગદર્શન અને વારંવાર થતી ભૂલોની છણાવટ કરી છે. અતિ ઉત્તમ.
Thank you, Arun Gondhali.
સરસ જાણકારી જાણવા મળી તે બદલ આભાર.
wah…..!!
ખુબ સરસ, ઉપયોગી અને માર્ગદર્શક. અમુક નાની નાની બાબતો ખરેખર જે ઉતાવળમાં રહી જાય છે તેની છણાવટ સારી રીતે કરી છે.