માતૃભારતી તરફથી ઉત્તરાયણ નિમિત્તે મ્યુનિસિપલ કૉર્પોરેશનની શાળાઓમાં કાઈટ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું હતું. લગભગ દસથી વધુ સ્કૂલોમાં આ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. લગભગ બધા મળીને ચાર-પાંચ હજાર બાળકોને પ્રત્યક્ષ મળવાનું થયું અને તેમના ચહેરા પરનું નિર્દોષ હાસ્ય એ અમારી સફળતા બની. તેમની સાથે બાળક બનીને સમય પસાર કરવાનો આનંદ અવર્ણનીય રહ્યો.
હાથમાં પતંગ જોઈને દરેક સ્કૂલમાં એકથી વધુ બાળકો એવા મળ્યા કે જેમણે કહ્યું, “સર! અમને જ આપવાના છો ને પતંગ? આ ચીલ હું ઊડાવીશ. આ વખતે એમ પણ ઘરેથી કોઈ લઈ દેવાના નથી.” તહેવાર પર સામાન્ય કે આર્થિક નબળાં વર્ગના કુટુંબોમાં બાળકોની વસ્તુ મેળવવા માટેના પ્રયાસોની પણ એક મજા હોય છે. આર્થિક સંઘર્ષ કોને કહેવાય એ કૉન્વેન્ટ કે ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકોને અંદાજ પણ ન જ હોઈ શકે.
સાથોસાથ શિક્ષકોના પ્રતિભાવો કંઈક આવા રહ્યાં.
“થેંક યુ. અમારા બાળકો માટે પતંગ લાવવા બદલ. કોઈ વિચારતું નથી.”
“પતંગોત્સવમાં અમે બાળકોને આપીશું અને શાળામાં જ ઇવેન્ટ યોજીશું.”
“અમારી શાળામાં આવવા બદલ આભાર.”
માતૃભારતી હવે સરકારી શાળાઓમાં કશુંક અવનવું કરવા જઈ રહ્યું છે. બાળકોના ઘડતર અને વૃદ્ધિના નિર્માણમાં ક્યાંક માતૃભારતીનો પણ ફાળો હોય તેવું આયોજન થઈ રહ્યું છે. ભવિષ્યમાં થનારી ઇવેન્ટ્સ અંગેનો લેટર વાંચીને શરૂઆતમાં થોડી ચિંતા સાથે તેઓ કહેતા,
“તમે કશું લેશો તો નહીં ને? કારણ કે, અમારી પાસે ફંડ ખૂબ ઓછું એટલે કે હોતું જ નથી.”
“આ દરેક પ્રોસેસ તમારા તરફથી જ થશે ને?”
“અમારી ફેર બૂકમાં તમારો કોન્ટેક્ટ નંબર આપી રાખો. અમે કૉલ કરીશું અને બાળકો સાથે એ પ્રવૃત્તિ કરીશું.”

ખરેખર, માન થયું. સરકારી શાળાઓમાં ભણતા બાળકો અન્ય બાળકો કરતા થોડાં વધુ મેચ્યોર હતાં. ભલે એજ્યુકેશનની દૃષ્ટિએ નહીં, પરંતુ સમજણની પાટીમાં તેમણે મેળવેલ ગુણાંક વધુ હતાં. ખૂબ બધા યાદગાર પ્રસંગો પણ બન્યા અને નવા અનુભવ ઉમેરાયાં.


