આ આર્ટ ફૅરમાં કાનનના ‘માયા’ સિરિઝના પેઈન્ટિંગ્સ
પ્રદર્શનની મુલાકાત સંખ્યાબંધ
કલાપ્રેમીઓએ લીધી
__
દુબઈના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં આયોજીત થયેલાં દુબઈ વર્લ્ડ આર્ટ ફેરમાં વિશ્વના જુદાં-જુદાં દેશોના કલાકારોને તેમની કલા પ્રદર્શિત કરવાની તક મળી હતી. એમાં મુંબઈનાં જાણીતાં આર્ટિસ્ટ કાનન ખાંટનો પણ સમાવેશ થયો હતો.
દુબઈ વર્લ્ડ આર્ટ ફેરમાં કાનન ખાંટનાં પેઈન્ટિંગ્સનું જે જગ્યાએ પ્રદર્શન યોજાયું હતું ત્યાં તેમની સાથે અન્ય બે ભારતીય કલાકારો મૌસુમી સરકાર અને રીના ચોપરા પણ હતાં (રીના ચોપરા બૉલીવુડની વિખ્યાત અભિનેત્રી પરિણીતી ચોપરાનાં માતા છે). આ આર્ટ ફૅરમાં કાનને ‘માયા’ સિરિઝના પેઈન્ટિંગ્સનું પ્રદર્શન કર્યું હતું જેની મુલાકાત સેંકડો કલાપ્રેમીઓએ લીધી હતી.
દુબઈમાં દર વર્ષે યોજાતા વર્લ્ડ આર્ટ ફેરમાં પોતાની કલાનું પ્રદર્શન કરવાની ઝંખના અને મહત્વકાંક્ષા કેટલાય આર્ટિસ્ટ્સની હોય છે. આ વર્લ્ડ આર્ટ ફેરમાં સેંકડો આર્ટિસ્ટ્સ પૈકી આંગળીના વેઢે ગણાય એટલા કલાકારોને તેમનાં આર્ટપીસ સાથે રેમ્પવોક કરવાની તક મળી હતી. એમાં કાનન ખાંટનો પણ સમાવેશ થયો હતો.
કાનન ખાંટે કહ્યું હતું કે “મુંબઈમાં મારાં અનેક આર્ટ એક્ઝિબિશન્સ યોજાયાં છે, પરંતુ વિદેશમાં આ મારું પ્રથમ એક્ઝિબિશન હતું. મને દુબઈના વર્લ્ડ આર્ટ ફેરમાં મારી કલાનું પ્રદર્શન કરવાની તક મળી એનો રોમાંચ અનેરો છે. મને અહીં અલગ-અલગ દેશોના કેટલાય કલાકારોને મળવાની, તેમની કલા જોવાની, તેમની આર્ટ બનાવવાની સ્ટાઈલ જાણવાની પણ તક મળી. ઘણા દેશોના આર્ટિસ્ટ સાથે પરિચય થયો અને એમાંના કેટલાક સાથે તો મિત્રતા પણ થઈ. વૈશ્વિક મંચ પર પોતાની કલાનું પ્રદર્શન કરવાનું લગભગ દરેક કલાકારનું સપનું હોય છે. મારું એ સપનું સાકાર થયું છે એનો મને આનંદ છે.”
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૨૦૨૧માં કાનન ખાંટના પેઈન્ટિંગ્સનું સોલો (સ્વતંત્ર) એક્ઝિબિશન મુંબઈની વિખ્યાત ‘જહાંગીર આર્ટ ગેલેરી’માં યોજાયું હતું તો ૨૦૨૦માં પણ તેમનું સોલો આર્ટ એક્ઝિબિશન મુંબઈની પ્રતિષ્ઠિત ‘નહેરુ આર્ટ ગેલેરી’માં યોજાયું હતું. એ એક્ઝિબિશન્સને મુંબઈના, દેશના અન્ય વિસ્તારોના અને વિદેશી કલાચાહકોનો ઉમળકાભર્યો પ્રતિસાદ મળ્યો હતો. જુદાં-જુદાં ક્ષેત્રોની ઘણી નામાંકિત વ્યક્તિઓ અને સેલિબ્રિટીઝ કાનનના મુંબઈમાં યોજાયેલાં આર્ટ એક્ઝિબિશન્સની મુલાકાત લઈ ચૂકી છે અને તેમની કલાની પ્રશંસા કરી ચૂકી છે.