On the spot with Aashu Patel

‘માતૃભારતી.કોમ’  દ્વારા યોજાઈ ગુજરાતી અખબાર જગતના ધુરંધર લેખકોની  એક સફળ સંવાદ યાત્રા – ઓન ધ સ્પોટ

૧૪ મી એપ્રિલ , રવિવારની સાંજ , થ્રિલ , ફિલ અને ચીલ ની મિશ્ર લાગણીઓ થી ભરપુર રહી. આ અનોખી સાંજનું આયોજન હતું ‘માતૃભારતી.કોમ’ નું  કે જે વેબ સાઈટ અને મોબાઈલ એપ જેવા ડીજીટલ માધ્યમ થી સાહિત્ય નો પ્રચાર અને પ્રસાર કરી અવનવા સીમાચિન્હો સર કરી ચુકી છે. ઉપક્રમ હતો ગુજરાતી વર્તમાન પત્ર અને નવલકથા ક્ષેત્રે ખ્યાતી પામેલા લેખક શ્રી આશુ પટેલ ની ‘માતૃભારતી’ પર પ્રસારિત થનારી એક દિલધડક થ્રીલર ડોક્યુ-નોવેલ ‘વન્સ અપોન અ ટાઈમ’ ના પ્રિ – લોન્ચ નો. આ અવસરને વધુ દિપાવવા શ્રી આશુ પટેલ સાથે જોડાયા એવા જ પ્રખ્યાત પત્રકાર-લેખકો શ્રી કૃષ્ણકાંત ઉનડકટ અને  શ્રી જ્યોતિ ઉનડકટ.

Aashu Patel

આશ્રમ રોડ સ્થિત , મૂળ અમદાવાદ ની ઓળખ સમા ‘આત્મા’ ઓડીટોરીઅમ માં ઉનાળાની તપ્ત સાંજના સાતના સુમારે આ કાર્યક્રમની શરૂઆત થઇ. ‘માતૃભારતી’ ના રીલેશનશીપ મેનેજર શ્રી ભૂષણ ઓઝાએ કાર્યક્રમની શાન સમાં લેખકોનો પરિચય કરાવ્યો અને કાર્યક્રમની રૂપરેખા આપી, ‘માતૃભારતી’ના સી.ઈ.ઓ. શ્રી મહેન્દ્ર શર્મા એ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું.

ત્યારબાદ શરુ થઈ સંવાદ યાત્રા. પત્રકારત્વ અને કટાર , પુસ્તક લેખન ક્ષેત્રે લગભગ ત્રણ દાયકાથી જોડાયેલા અને એકબીજા સાથે પણ અંતરંગ મિત્રતાથી જોડાયેલા એવા શ્રી આશુ પટેલ, શ્રી કૃષ્ણકાંત ઉનડકટ અને શ્રી જ્યોતિ ઉનડકટ એકબીજા સાથે જીવંત પ્રશ્નોત્તરી અને સંવાદ કરીને પોતાના આજ સુધીના કાર્યકાળ દરમિયાન થયેલા અનેક અનુભવોની વિગતે  અને છણાવટથી વાતો કરતા રહ્યા અને ઓડીટોરીઅમ માં હાજર દરેક શ્રોતા આ ક્યાંક હ્રદયસ્પર્શી , ક્યાંક દિલ ધડક , ક્યાંક ભયજનક , કયાંક રમુજી , ક્યાંક આનંદપ્રદ ઘટનાઓ અને કિસ્સાઓમાં સીધા જોડાઈ ને તલ્લીન થઇ ગયા.

સંવાદ દરમિયાન ચર્ચાયેલા કિસ્સાઓ માંથી એક-બે નો ઉલ્લેખ કરવાનો હોય તો ક્યા કિસ્સાને પ્રાધાન્ય આપવું એ નક્કી કરવું અઘરું છે. તો પણ ખાસ ઉલ્લેખ કરવો હોય તો શ્રી આશુ પટેલે કહેલો  એક કિસ્સો બહુ જ નોંધનીય છે. એમના અન્ડરવર્લ્ડ ના નામચીન લોકો સાથેના અનુભવ કહેતા એમણે વાત કરી  એક ડોનની ગેંગના સૌથી એક્ટીવ શાર્પ શુટરની. આંખના પલકારામાં અનેકની ઝીન્દગીને વીંધી ચુકેલા ખૂંખાર માણસની.  એ પણ કેવી સંવેદના ધરાવે છે એની વાત. આશુ પટેલ પાસે એક વ્યક્તિ આવેલ અને એને કહ્યું કે એમની પાસે છોકરાઓ ની ફી ભરવાના પૈસા નથી. આશુભાઈને અચાનક આ શાર્પ શુટર ને કહેવાનું સુજ્યું, એમણે ફોન કરીને પેલા ભાઈની આર્થિક સ્થિતિની વાત કરી. અને શાર્પ શૂટરનો જવાબ એવો મળ્યો કે “આશુભાઈ , તમારા મિત્રને કહી દો કે એમના છોકરાઓની ફી એ લોકો જ્યાં સુધી ભણે ત્યાં સુધી હું  ચૂકવીશ”

krishnkant unadkat

 

તો શ્રી કૃષ્ણકાંત ભાઈ એ એક કિસ્સો કહ્યો એમાં એક મિનીટ એવો  સન્નાટો થઇ ગયો શ્રોતાઓમાં કે આ પત્રકારની ફરજ બજાવતી વખતે એમની અંદર રહેલો વ્યક્તિ કેવી પીડા અનુભવતો હશે. ઘટના હતી એમના વતનની. એક વખતના એ વિસ્તારના અંધારી  આલમના કિંગની. બહુ ધાક એની આખા વિસ્તારમાં. પણ કૃષ્ણકાંતભાઈ પત્રકાર હોવાને કારણે બન્ને એકબીજાના પરિચિત. એક સવારે એ નામચીન માણસ એમની પાસે આવે છે. અને કહે છે કે ચા પીવડાવો. કદાચ હવે પીવા ન પણ મળે. કૃષ્ણકાંતભાઈએ આશ્ચર્યથી પૂછ્યું કે તારા જેવો આવો શક્તિશાળી માણસ આવી વાત કરે.?. ને પછી એ માણસે પછેડી ખોલી ને મોટો છરો કાઢ્યો,, અને કહ્યું કે તમને સાંજ સુધીમાં એક ક્રાઈમ સ્ટોરી મળી જશે…. પોતે એમના કટ્ટર હરીફને મારવા  જઈ રહ્યો છે. ..એક કલાકમાં એનું ખૂન થઇ ગયું હશે. કૃષ્ણકાંતભાઈએ એ માણસને સમજાવ્યો કે હવે મુક આ બધું…ત્યારે પેલો માણસ છુપા ડરથી બોલ્યો કે હું નહિ મારું તો એ તો મને મારી જ નાખશે…અને એ નીકળી ગયો. એક માણસ બીજા માણસનું ખૂન કરવા જઈ રહ્યો છે એ ખબર હોવા છતાં .. એ ઘટના અંદર ધરબી ..તેઓ ખરેખર ..બપોરે જ એ ખૂન નું રીપોર્ટીંગ કરવા ગયા. એમના કહેવા મુજબ આ બહુ હ્રદય દ્રાવક પીડા હતી એમની.

jyoti Unadkat

તો શ્રી જ્યોતિબહેને વર્ણવેલો એમનો જાત અનુભવ તો હાજર હતા એ બધાના રૂંવાડા ઉભા કરી દેનારો હતો. ઘટના – ગોધરા કાંડ. ટ્રેન નો ડબ્બો બાળી નાખ્યા ના  સમાચાર આવ્યા ત્યારે તેઓ એક લંચ પાર્ટીનું પ્લાનિંગ કરી ચુક્યા હતા એ ઠુકરાવી ને પહોચ્યા સીધા ઘટના સ્થળે. એકમાત્ર સ્ત્રી પત્રકાર. .. એ બળી ગયેલા ડબ્બામાં દાખલ થયા… ને પંખા પર ..બર્થ પર .. નીચે લાશ કે માનવ શરીર ના ભાગ ચોંટેલા જોયા. એક નારી સહજ વેદના કે સંવેદનાને ધરબી ને એમણે હિમત પૂર્વક ફોટોઝ લીધા અને રાત ના અગિયાર સુધીમાં સામાયિક ના તંત્રી ને સચોટ રીપોર્ટીંગ કર્યું, જ્યોતિબહેન કહે છે કે આ ઘટના પછી બહુ લાંબો સમય એ જાતે રસોઈ કરી શક્યા ન હતા.

આમ. પત્રકારત્વ ક્ષેત્રે દેશના દરેક અગ્રિમ ગુજરાતી વર્તમાન પત્રો અને સામયિકો સાથે પ્રવૃત્ત રહી ચુકેલા આ લેખકો – સર્જકોના બધા જ અનુભવો અને એ દરેક પ્રત્યેની એમની પુરેપુરી નિષ્ઠાની વાતો સાંભળી એમને સલામ કર્યા વગર રહી  શકાય નહિ.

લગભગ સવા બે કલાક અવિરત ચાલેલી આ સંવાદ યાત્રા અટકે જ નહિ એવા તાદાત્મ્ય થી શ્રોતાઓ ઉપસ્થિત હતા . આખરી તબક્કા માં પ્રશ્નોત્તરી શ્રોતાઓ માટે પણ ઓપન કરવામાં આવી અને શ્રોતાઓમાંથી પણ એવા પ્રશ્નો આવ્યા કે જે એમની પણ એક સજ્જતા નો પરિચય કરાવતા હતા. ખાસ ઉપસ્થિતિમાં જાણીતા કવિઓ શ્રી અનીલ ચાવડા , શ્રી ચન્દ્રેશ મકવાણા. શ્રી ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’  હતા. તો ‘રજવાડું’ ના શ્રી મનીષ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા. ઉપરાંત પત્રકારત્વ અને સાહિત્ય ક્ષેત્રના અનેક પ્રતિષ્ટિત લોકો થી સભાગૃહ શોભતું હતું .

OnTheSpot

કાર્યક્રમ ના આખરી  પડાવ પર આવ્યા ‘માતૃભારતી’ ના સિ,ઈ,ઓ શ્રી મહેન્દ્ર શર્મા . એમણે આ કાર્યક્રમ ને આટલો રસપ્રદ બનાવવા બદલ લેખકો નો આભાર  માન્યો અને ‘માતૃભારતી’ ના આ સાહિત્યના નવા સરનામાં નો વધુમાં વધુ લોકો લાભ લઇ આ ડીજીટલ માધ્યમને અવનવી સફળતા અપવવા ની હાકલ કરી. આ સાંજ ને આવી યાદગાર બનાવનાર લેખક-પત્રકારો ને ‘માતૃભારતી’ ના પાર્ટનર શ્રી દર્શન જાની એ સ્મૃતિ ભેટ આપી એમનું અભિવાદન કર્યું.

Matrubharti is self publishing platform for writers

Leave a reply:

Your email address will not be published.

Site Footer