યુવાઓમાં ઘણી પ્રતિભાઓ છુપાયેલી હોય છે એમાંની એક છે લેખન પ્રતિભા. જો એ લેખન માતૃભાષા ગુજરાતીમાં થતું હોય તો ગુજરાતી ભાષાને લુપ્ત થવાનો ભય અલુપ્ત થઈ જશે. માતૃભારતી.કોમ પણ એજ ઉદેશ્ય થી અભિવ્યક્તિ નામનાં કાર્યક્રમનું આયોજન વિવિધ યુનિવર્સિટી અને કોલેજ કેમ્પસમાં કરી રહ્યું છે. એજ કાર્યક્રમ અંતર્ગત અભિવ્યક્તિ – યુવા લેખન પ્રતિભા શોધનું આયોજન એચ કે કોમર્સ કોલેજમાં કરવામાં આવ્યું જેને વિદ્યાર્થીઓ તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો. કાર્યક્રમ 1 સેપ્ટેમ્બર 2018નાં રોજ બપોર 2 થી સાંજે 4 વાગ્યા સુધી કરવામાં આવ્યો જેમાં સ્પર્ધકો અને પ્રેક્ષક વિદ્યાર્થીઓ ભાગ લીધો.
અભિવ્યક્તિ કાર્યક્રમનાં માળખા પ્રમાણે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓને અમુક વિષયો પર ગદ્ય કે પદ્ય રચનાઓ 300 શબ્દો કે વધુમાં માતૃભારતી.કોમ પર મોકલવાની હોય છે. રચનાઓ મૌલિક હોવી જોઈએ અને વિષયને અનુરૂપ હોવી જોઈએ. એ રચનાઓનું મૂલ્યાંકન પ્રતિષ્ઠિત અને અનુભવી લેખકો મારફતે થતું હોય છે જેથી કરીને વિદ્યાર્થીઓની રચનાઓને ઝીણવટ પૂર્વક તપાસી ન્યાય આપવામાં આવે. તદુપરાંત રચનાઓમાંથી શ્રેષ્ઠ 10 રચનાઓને કાર્યક્રમ દરમિયાન સમ્માનિત કરવામાં આવે છે અને સાથેજ એ રચનાઓને શ્રોતાઓ સમક્ષ અભિવ્યક્ત કરી મનોરંજન સાથે જ્ઞાન પીરસવાનો ઉદેશ્ય છે.
કુલ 45 કૃતિઓ સ્પર્ધામાં શામેલ થઈ, એમાંની 12 કૃતિઓને વિજેતા ઘોષિત કરવામાં આવી. પ્રસિદ્ધ નવલકથા શાંતનુંના લેખક અને માતૃભારતી સંપાદક શ્રી સિદ્ધાર્થભાઈ છાયાએ કૃતિઓનું અવલોકન કર્યું અને શ્રેષ્ઠ કૃતિઓને ગુણવત્તાનાં ધોરણે તપાસીને એમને નામાંકિત કર્યાં. વિજેતા વિદ્યાર્થીઓમાં વિશાલ અંત, પટેલ પાર્થ, ગોહિલ હર્ષ, કિંજલ ચૌહાણ, રાઠોડ પદમાં, ઠાકોર પૂજા, તૃપ્તિ વાઢેર અને જુહી પટેલને સ્થાન મળ્યો. એ સિવાય અભિવ્યક્તિ કાર્યક્રમમાં કોલેજનાં જ વિદ્યાર્થી સ્વયંસેવકોએ ખુબજ ઉત્સાહથી સ્પર્ધક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી કૃતિઓ મોકલવા પ્રેરિત કર્યા.
એચ કે કોમર્સ કોલેજનાં આચાર્ય શ્રી ડો ગોપાલ ભટ્ટ સાહેબે વિદ્યાર્થીઓને પોતાનાં વક્તવ્યથિ અભિભૂત કર્યાં અને એમને આ સાહિત્યિક પ્રવૃતિઓમાં ભાગ લેવા સલાહ આપી. એમણે જણાવ્યું કે આ એક ઉજળી તક છે પોતાની આવડતને લોકો સમક્ષ લાવવા માટે અને વિદ્યાર્થીઓએ આ તક ઝડપી લેવી જોઈએ. કાર્યક્રમનાં અંતમાં શ્રી મહેન્દ્ર શર્મા, જે માતૃભારતી.કોમ સંસ્થાનાં સંચાલક છે એમણે વિદ્યાર્થીઓ અને કોલેજ સંચાલકોનો આભાર માન્યો સાથેજ વિદ્યાર્થીઓને માતૃભાષામાં લખવા અને વાંચવા પ્રેરિત કર્યા. અભિવ્યક્તિ માતૃભારતી તરફથી બીજી ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં આયોજિત થાય એવા પ્રયત્નો સંસ્થા તરફથી થઈ રહયાં છે.