નવભારત સાહિત્ય મંદિર દ્વારા આશુ પટેલના 8
અને સુભાષ ઠાકરના 3 – કુલ 11 પુસ્તકોનું લોકાર્પણ
નવભારત સાહિત્ય મંદિર – મુંબઈ દ્વારા પ્રકાશિત પત્રકાર-લેખક-ફિલ્મમૅકર આશુ પટેલના 8 પુસ્તકો અને હાસ્યકાર-લેખક સુભાષ ઠાકરના 3 પુસ્તકો એમ કુલ 11 પુસ્તકોનું લોકાર્પણ મુંબઈના ભવન્સ કૉલેજ કૅમ્પસસ્થિત ભવન્સ કલ્ચરલ સેન્ટર દ્વારા હકડેઠઠ ભરાયેલા એસ.પી. જૈન ઓડિટોરિયમમાં 21 સપ્ટેમ્બરની સાંજે યોજાયું હતું. આ કાર્યક્રમ માણવા માટે એટલા વાચકો ઉમટી પડ્યા હતા તેમના માટે ખાસ ઓડિટોરિયમના કંપાઉન્ડમાં એલઈડી – સ્ક્રીનની અને ખુરશીઓની વ્યવસ્થા કરવી પડી હતી!
આ કાર્યક્રમમાં પ્રખ્યાત ફિલ્મનિર્માતા જયંતીલાલ ગડા, ફિલ્મલેખક-દિગ્દર્શક સંજય છેલ, સામાજિક કાર્યકર-બિઝનેસવુમન હીરલબા જાડેજા, પ્રતિભા શાહ, બિઝનેસમેન બેચર પટેલ, ઈન્ડિયાના ફર્સ્ટ હેલ્થ સાયન્ટિસ્ટ ડૉ. શિલ્પા દેસાઈ, પત્રકાર પ્રફુલ શાહ, બોલિવુડના સૌથી મોટા વેનિટી વેન સપ્લાયર કેતન રાવલ, ગાયક-સંગીતકાર ઉદય મઝુમદાર, ગાયિકા શ્રદ્ધા શ્રીધરાણી, દિનેશ લાંબા અને મૌલિક ચૌહાણ જેવા પ્રખ્યાત અભિનેતાઓ, ફિલ્મલેખક મંથન જોશી, અભિનેત્રી પૂર્વી દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા.
આ કાર્યક્રમનું સંચાલન ગુજરાતનાં પોપ્યુલર આરજે લજ્જાએ સુંદર રીતે કર્યું હતું.
આ કાર્યક્રમમાં મુંબઈના પ્રખ્યાત ગાયક રાજેન્દ્ર ગઢવીએ ઓલ્ડ ઈઝ ગોલ્ડ જેવા-રફીના ગીતો ગાયા એમની સાથે ઓડિયન્સ પણ ગાતું હતું. ‘પહેચાન કૌન’ અને ‘લાફ્ટર ચેલેન્જ’ ફેમ હાસ્યકાર નવીન પ્રભાકરે ગુજરાતી – હિંદીમાં હાસ્યની, ગાયકીની રમઝટ બોલાવી તો સુનીલ સોનીએ અસ્સલ સોરઠી દુહા – છંદ, લોકસાહિત્યનું લાલિત્ય લલકાર્યું. સુભાષ ઠાકરે પણ લોકોને ખૂબ હસાવ્યા.
ત્યાર બાદ સરપ્રાઇઝ તરીકે આશુભાઈની બેસ્ટ સેલર બુક સુખનો પાસવર્ડની ચૌદમી આવૃત્તિ લોન્ચ થઈ. એ વખતે પ્રકાશક નવભારત સાહિત્ય મંદિરના માલિક અશોકભાઈએ આગ્રહ કરીને આશુભાઈને કહ્યું કે તમારે આજે આ પુસ્તક વિશે વાત કરવી જ પડશે.
આશુભાઈએ દોઢ વર્ષ ડિપ્રેશનનો સમય, સ્વજનો – ગીતા માણેક, ડોક્ટર મુકુલ ચોકસી, નીલેશ દવે, મનોજ મિસ્ત્રી, બી કે પંડ્યા, સંજય ત્રિવેદી જેવા મિત્રોના સાથ – સંગાથથી ફરી લેખનની દુનિયામાં પ્રવેશ અને ‘મુંબઈ સમાચાર’ના તંત્રી અને મિત્ર નીલેશ દવેના આમંત્રણથી કઈ રીતે સુખનો પાસવર્ડ કૉલમ શરૂ થઈ એની વાત વર્ણવી અને પછી કહ્યું, ફિલ્મ ‘શોર’નું એક પ્યાર કા નગમા ગીત આપણે બધા સાથે ગાઈએ…’
આશુભાઈએ સુભાષભાઈને કહ્યું, તમે આ ગીતની શરૂઆત વાંસળીવાદનથી કરો અને પછી સૌ ઝીલશે. આશુભાઈએ વિખ્યાત ગાયક – સંગીતકાર ઉદય મઝુમદાર, ગાયિકા શ્રદ્ધા શ્રીધરણી અને રાજેન્દ્ર ગઢવી તથા સંજય છેલ, ભુપેશ દવે અને સુનીલ સોની સહિતના મિત્રોને ખાસ બોલાવ્યા. સુભાષભાઈ, સુભાષભાઈની દીકરી ડોલી (દેવાંગી શાસ્ત્રી) પ્રકાશક અશોકભાઈ, રાજેન્દ્ર ગઢવી, સુનીલ સોની અને એક્ટ્રેસ ફોરમ મહેતા, અભિનેતા અરવિંદ વેકરિયા સહિત પણ સ્ટેજ પર આવ્યા.
સુભાષભાઈએ વાંસળીવાદનથી ગીતની શરૂઆત કરી, સૌએ ગીતનું મુખડું ગાયું પછી તો ઑડિયન્સમાંથી ગીતના અંતરા ઉપાડાતા ગયા. અને સૌના રૂંવાડાં ઊભાં થઈ જાય એવો માહોલ સર્જાઈ ગયો!
…અને કાર્યક્રમને અંતે માઇન્ડ મેજિકના માસ્ટર ભૂપેશ દવેએ પોતાનો કસાબ બતાવીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. ચાર કલાક જેતો સમય કઈ રીતે વીતી ગયો એની ખબર પણ ન પડી એવી એ સાંજ સૌ વાચકો અને મિત્રો માટે યાદગાર બની રહી. નવભારત સાહિત્ય મંદિરના માલિક અશોક શાહે ભવન્સના લલિતભાઈ શાહ પ્રવીણ સોલંકી સહિત તમામ મહાનુભાવો અને વાચકોનો આભાર માન્યો હતો.