જાણીતા આર્ટિસ્ટ કાનન ખાંટના પેઈંટિંગ્સનું
પ્રતિષ્ઠિત જંહાગીર આર્ટ ગેલેરીમાં પ્રદર્શન
તેમના આ ચિત્રો ભારતની કલમકારી લોકકલા શૈલીથી પ્રેરિત હશે.
જાણીતા આર્ટિસ્ટ કાનન ખાંટ કાલાઘોડા, મુંબઈ સ્થિત જહાંગીર આર્ટ ગેલેરી ખાતે ૧૪ થી ૨૦મી ડિસેમ્બર દરમિયાન તેમનું એક્ઝિબીશન “માયા” લઈને આવી રહ્યા છે. તેમનું આ આર્ટવર્ક એવા લોક કારીગરોને એમાં પણ ખાસ કરીને મહિલા કલાકારોને સમર્પિત છે જે ભુલાઈ ચૂક્યા છે. તેમની આ ખુબ વખણાયેલી ‘માયા’ સિરીઝમાં તેમણે રાધા-કૃષ્ણની કથાયઓથી પ્રેરિત એવાં કેટલાંક વિશિષ્ટ પેઇન્ટિંગ્સ આ વખતે સામેલ કર્યાં છે.
કાનન કહે છે, “મારા આ આર્ટવર્ક ‘માયા’માં મેં કલમકારી શૈલી અપનાવી છે અને તેના દ્વારા હું સ્ત્રીત્વ, આધ્યાત્મિકતા અને પૌરાણિક કથાઓના ઘટકોને જોડી રહી છું. મોટાભાગના લોકો એ નથી જાણતા કે વર્ષો પહેલા જે કલાકારો ગામડે-ગામડે રખડતા હતા તેઓ પોતાની વાર્તાઓ કહેવા માટે કલમકારીનો ઉપયોગ કરતા હતા. હું મારી કળા દ્વારા વાર્તા કહી રહી છું.’’
કાનન ઉમેરે છે, “હું સતત શીખતી રહું છું, મારા આર્ટવર્ક સાથે નવતર પ્રયોગો કરતી રહું છું. હું વિદ્યાર્થી છું, જિંદગી પાસેથી રોજ કંઈક ને કંઈક નવું શીખતી રહું છું.’’
કાનન ખાંટ આ પહેલાં પણ નહેરુ આર્ટ ગેલેરી અને ઇન્ડિયા આર્ટફેરમાં પોતાની કલાકૃતિઓનું પ્રદર્શન કરી ચૂક્યા છે. તે મુંબઈની પ્રખ્યાત નિર્મલ નિકેતન કૉલેજના કમર્શિયલ આર્ટના ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે. ભારતના અગ્રણી મેગેઝીનમાં પણ તેમણે આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે અને એડ એજન્સીઝ તથા એનિમેશન ફિલ્મ સ્ટુડિયોમાં આર્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. ૨૦૧૫થી તેઓ ઈન્ડિપેન્ડન્ટ આર્ટિસ્ટ તરીકે કામ કરી રહ્યા છે અને અનેક ઍક્ઝિબિશન્સમાં તેમણે પોતાની કળાનું પ્રદર્શન કર્યું છે.
આવતા વર્ષના માર્ચ મહિનામાં વર્લ્ડ આર્ટ દુબઇ ખાતે યોજાનારા એક્ઝિબીશનમાં પણ કાનન ખાંટના ચિત્રોનું પ્રદર્શન થશે. તેમની કલાકૃતિઓએ ભારત અને વિદેશમાં ઘણા કલાપ્રેમીઓના હૃદયમાં અને ઘરોમાં વિશેષ સ્થાન મેળવ્યું છે.