‘શ્રી મુમબઈના શમાચાર’થી આજ સુધીની સફરની વાત અને ‘મુંબઈ સમાચાર’ના તંત્રી નીલેશ દવેની ખાસ મુલાકાત
——-
– મનિષા પી. શાહ
આ પહેલા અંકના વિશ્લેષણમાં એક વાત ઊડીને આંખે વળગે કે ગેઝેટ જેવા સરકારી સાધનોને આધારરૂપ માનીને જ સમાચાર અપાયા હતા. એટલે સાચા અને માત્ર સાચા ન્યુઝ આપવાનો આગ્રહ. આ નીતિને ‘મુંબઈ સમાચાર’ આજ સુધી વળગી રહ્યું છે. સનસનાટીની પાછળ ભાગવાને બદલે સમાચાર વિશે પૂરેપૂરા સમર્થન અને પુરાવા બાદ જ સમાચાર પ્રગટ કરવાને પ્રતાપે આ અખબારે અનન્ય વિશ્વસનીયતા હાંસલ કરી છે.
૧૮૨૨થી ૧૮૩૨ સુધી ‘શ્રી મુમબઈ શમાચાર’ સાપ્તાહિક હતું, પછી અર્ધ-સાપ્તાહિક થયું અને ૧૮૫૫થી બની ગયું દૈનિક. ત્યારથી આજ સુધી ‘મુંબઈ સમાચાર’ની સૌથી મોટી તાકાત એટલે વાચકોના ભરપૂર વિશ્વાસ અને વિશ્વસનીયતા.
આ અખબારનો પાયો નાખ્યો પારસી વિદ્વાન ફરદુનજી મર્ઝબાને. પત્રકારત્વ ઉપરાંત પ્રિન્ટીંગ પ્રેસને ક્ષેત્રેય તેઓ પાયોનિયર. અખબાર ઉપરાંત તેમણે ૧૮૧૪માં કેલેન્ડર (પંચાગ) પણ પ્રગટ કર્યું. આ પરંપરા આજેય અડીખમ છે. ‘મુંબઈ સમાચાર’ની શાખ એક નિષ્પક્ષ, તટસ્થ અને વિશ્વસનીય અખબારની. એટલે જ બ્રિટિશ સરકારની જેમ ભારત સરકાર પણ એને માન આપે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં ‘ મુંબઈ સમાચાર’ના સમાચાર અને વિશ્લેષણ એકદમ ન્યાય અને તર્કશુદ્ધ. આઝાદીના દિવસોમાં મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ અને વલ્લભભાઈ પટેલ સહિતના ઘણા આગેવાનો ‘મુંબઈ સમાચાર’ને ટાંકીને વાતો કરતા.સંપાદકીય એટલે કે તંત્રીલેખમાં આ અખબારની તટસ્થતાના બેમિસાલ.
અનેક પડકાર અને પરિવર્તન વચ્ચે અડીખમ રહેલા ‘મુંબઈ સમાચાર’ની માલિકી ૧૯૩૩માં કામા પરિવારના હાથમાં આવી, જે આજ સુધી યથાવત છે. આ અખબારની શાખ, તટસ્થતા અને વિશ્વસનીયતા એટલી જોરદાર છે કે ઘણાં ઘરોમાં દાયકાઓથી ‘મુંબઈ સમાચાર’ સિવાયના અન્ય અખબારોની પ્રવેશબંધી છે.
બદલાતા સમય સાથે ‘મુંબઈ સમાચાર’ પણ સકારાત્મક રીતે બદલાયું છે. છેલ્લા પાંચેક વર્ષમાં ‘ મુંબઈ સમાચાર’ વાચકો પર એવું વરસ્યું કે ન પૂછો વાત. ‘રોમેરોમ ગુજરાતી’ અભિયાન. અંદાજે બે કરોડ રૂપિયાના પુસ્તકોનું વિતરણ, પુસ્તક મેળાઓ, ગુજરાતી નાટકો, ગુજરાતી સુગમ સંગીત, હાલરડાં, વરસાદી ગીતો, રમે ગુજરાતી, જીતે ગુજરાતી… આવા નીતનવા ઉપક્રમો લાવ્યા ૪૦ વર્ષની ઉંમરે ‘ મુંબઈ સમાચાર’ના તંત્રી બનેલા નીલેશ દવે. સતત અખબાર, વાચકો અને ગુજરાતી માટે આક્રમક રીતે વિચારતા રહેલા નિલેશભાઈએ વિશ્વ-ગુજરાતી ભાષા દિને અખબારનું પહેલું પાનું મરાઠી લિપિમાં છાપીને સૌને સુખદ આંચકો આપ્યો હતો. અન્ય અખબારો વિચારી ન શક્યા એવા ઘણાં કામો કર્યા તેમણે. લશ્કર અને સૈનિકોને મહત્વ આપતી કટાર શરૂ કરી. અખબારના સ્થાપના દિને શહિદોની માતાને બોલાવ્યા. ગુજરાતી કે કોઈ પણ ભાષામાં પહેલીવાર ‘પુરુષ’ પૂર્તિ શરૂ કરી.
આ વિશ્વસનીય અખબારે 199 વર્ષ પૂરા કર્યા અને 200માં વર્ષમાં પ્રવેશ કર્યો એ નિમિતે ‘મુંબઈ સમાચાર’ના તંત્રી નીલેશ દવેની મુલાકાત પ્રસ્તુત છે.
*
‘મુંબઈ સમાચાર’ જેવા પ્રતિષ્ઠિત અખબારનું તંત્રીપદ નાની ઉંમરે સાંભળતી વખતે તમારી લાગણી કેવી હતી?
૨૦૦૪થી ૨૦૧૦ સુધી હું ‘મુંબઈ સમાચાર’માં હતો. પછી કોઈક કારણથી અખબાર છોડવું પડ્યું. પરંતુ ૨૦૧૨ના સપ્ટેમ્બરમાં પાછો ફર્યો. સપ્ટેમ્બરથી ડિસેમ્બરના ત્રણ મહિના સતત કેવા-કેવા બદલાવ લાવવા અને વાચકોની નવી પેઢી સાથે કેમ જોડાવું એ વિચારતો રહ્યો. હકીકતમાં તો મેં તંત્રી બનવાનું ક્યારેય સપનું નહોતું જોયું. અચાનક અમારા ડાયરેકટર હોરમસજી કામાસાહેબે મને બોલાવીને કહ્યું કે તારે અખબારની જવાબદારી સાંભળવાની છે. ત્યારથી જ આ દોડ શરૂ થઈ. મને કોઈ જાતનો ડર નહોતો પણ કામાસાહેબના શબ્દોએ મારામાં વિશ્વાસ જગાવ્યો, જે આજે નવ વર્ષથી અનુભવું છું.
‘મુંબઈ સમાચાર’નું સુકાન સાંભળ્યા પછી શું ફેરફાર કર્યા?
કેટલાંક મહત્વના ફેરફારો કર્યા અખબારમાં. જૂના અને કાબેલ લેખકોની કોલમ ‘ મુંબઈ સમાચાર’ના પાને દોહરાવી. દાખલા તરીકે અશ્વિની ભટ્ટ, હરકિસન મહેતા, ચંદ્રકાંત બક્ષી અને હસમુખ ગાંધી. ગુજરાતીઓને ગુજરાતી ભાષા અને ગુજરાતીપણા સાથે વધુ મજબૂત રીતે જોડવા માટે ઘણા નવા ઉપક્રમ શરૂ કર્યા, જે મોટે ભાગે સફળ રહ્યા. સાથોસાથ વાચકો અને લેખકોને એકમંચ પર ભેગા કર્યા કે જેથી તેઓ એકમેકના મન અને મત જાણી શકે.
અખબારની પૂર્તિઓને નવો ઓપ આપવા પાછળ કેવા વિચાર હતા?
સામાન્ય રીતે કોઈ પણ તંત્રી આવે એટલે નાના-મોટા ફેરફાર થાય. એ સમયે મેં જે કેટલાક લેખકોને વાંચ્યા હતા અને જેમના પર વિશ્વાસ હતો કે એમનું લખાણ વાચકોને ગમશે જ. એટલે આશુ પટેલ, સંજય છેલ, સૌરભ શાહ, રાજીવ પંડિત, કાજલ ઓઝા વૈદ્ય, દિનકર જોષી, ગીતા માણેક જેવા લેખકોને ઈજન આપ્યું. અન્ય કેટલાંકને પણ પૂર્તિઓમાં લખવા માટે આગ્રહ કર્યો.
તમારી તંત્રીપદ હેઠળ મુંબઈ સમાચાર’ના નામે કઈ નવી સિદ્ધિ આવી?
‘મુંબઈ સમાચાર’ શબ્દ પોતે જ એક ગર્વ છે. તમે વિચારો કે એક અખબાર કેટકેટલી થપાટો અને પડકારો ઝીલીને 199 વર્ષેય અડીખમ ઊભું છે. મોટા-મોટા સાહિત્યકારો-લેખકોના નામ વગર માત્ર પોતાની વિશ્વસનીયતા પર અડીખમ છે. હું માનું છું કે કોઈ તંત્રી ‘મુંબઈ સમાચાર’ને કોઈ સિદ્ધિ અપાવી ન શકે. હા, ‘મુંબઈ સમાચાર’ તંત્રીઓને સિદ્ધિ અપાવી શકે, એમાંનો એક હું પણ ખરો. સતત સકારાત્મક સમાચારો આપતા રહેવાની મેનેજમેન્ટની પરંપરાએ આજેય વાચકોનો વિશ્વાસ જાળવી રાખ્યો છે. હું અખબારી સ્પર્ધામાં માનતો નથી, ‘ મુંબઈ સમાચાર’ની કોઈની સાથે સ્પર્ધા કલ્પી જ ન શકાય કારણ કે આ માત્ર એક અખબાર નથી, સમગ્ર ભારતના ગુજરાતીઓનું ગૌરવ છે.
ગુજરાતી ભાષા ભણનારા-જાણનારા ઘટી રહ્યાં છે એ નિષ્ઠુર હકીકત સામે ગુજરાતી ભાષાના જતન માટે ‘મુંબઈ સમાચાર’ની પહેલ અને પ્રયોગો ખૂબ વખણાયા. આ વિશે માહિતી આપશો?
ગુજરાતી ભાષાના જતન માટે જરૂરી હતું વાચક વર્ગને જાળવી રાખવાનું, વધારવાનું. આના માટે અમે કોઈ સતત સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ કરતા રહ્યા અને કોઈ આવા કાર્યક્રમ કરતું હોય તો તેને પણ પ્રોત્સાહન આપતા રહ્યા. બીજા અખબારોની નીતિથી અમે ચીલા ચાતરવા માંડ્યા. અન્ય અખબારોના કટાર લેખકોના પુસ્તકોના રિવ્યુ પણ ‘મુંબઈ સમાચાર’માં છપાય છે કારણ કે આનાથી ગુજરાતી ભાષા, વાચક અને લેખકોને કંઈ ને કંઈ ફાયદો થાય જ છે. બધા એમ કહે છે કે વાચકો ઘટી રહ્યા છે, પણ બધાથી વિપરીત રીતે હું માનું છું કે વાચક વર્ગ વધશે. એનું કારણ છે સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ. એમાં દરેક પળે ન્યુઝનો ઢગલો થાય. સાચા, ખોટા ગેરમાર્ગે દોરનારા. પરંતુ બીજા દિવસે અખબારમાં જ ખબર પડે કે કયા સમાચાર સાચા હતા. અખબારો વિશ્વસનીયતાનું સૌથી મોટું માધ્યમ છે. દોઢેક વર્ષ અગાઉ હું તલગાજરડામાં મોરારીબાપુને મળ્યો હતો, જાણીતા કવિ મિત્ર શોભિત દેસાઈ અને પ્રકાશક મિત્ર અશોક શાહ મારી સાથે હતા. ત્યારે બાપુએ કહેલી વાત આજેય યાદ છે: ભાષાની જ્યોત પ્રજ્વલિત જ છે. એને કંઈ કરવાની જરૂર નથી. માત્ર આજુબાજુ જે કાળી મેશ પડી છે તેને દૂર કરવાની જરૂર છે. આ વાત મારા હ્ર્દયમ કાયમ માટે અંકાઈ ગઈ.
તમને આ પડકારરૂપ સફરમાં ઘણાએ પ્રત્યક્ષ કે પરોક્ષ સાથ આપ્યો હતો. એ લોકો કોણ?
સૌ પ્રથમ યાદ કરીશ મારા પિતાજી સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ દવેને. તેઓ ‘જન્મભૂમિ’ના ટેલિ-પ્રિન્ટર વિભાગમાં હોવાથી નાનપણથી જ મને પત્રકારત્વમાં રસ પડ્યો હતો. મમ્મી-પપ્પા તેમ જ મારા પિતા સમાન શ્રી હોરમસજી કામાના આશીર્વાદ અને વિશ્વાસ થકી જ હું આ પદ સુધી પહોંચ્યો છું. અહીં પહોંચવાનું સપનું ઘણાં પત્રકારો જોતા હોય છે. આ સફરમાં ઘણાંનો સાથ મળ્યો. બધાના નામ ન લઈ શકું પણ આશુ પટેલ, સૌરભ શાહ, સંજય છેલ, શોભિત દેસાઈ, હેમંત ઠક્કર, પ્રફુલ શાહ, આસિત મોદી, હિમેશ રેશમિયા અને જયંતીલાલ ગડાના નામ ચોક્કસ લઈશ. રાજકીય નેતા પ્રકાશ મહેતાનો મારા પર ઘણો પ્રભાવ છે. તેમની પાસેથી હું ઘણું શીખ્યો છું. પ્રકાશભાઈ, નમ્રમુનિ મહારાજ અને હેનરી શાસ્ત્રી પાસેથી હમેશાં સકારાત્મક વિચારો કેળવવાની શિખામણ મળી એ ખૂબ ઉપયોગી બની છે.