ગીતા માણેક લિખિત અને વિરલ રાચ્છ દિગ્દર્શિત હિન્દી ફિલ્મ ‘બેસ્ટ ફ્રેન્ડ’ ઓટીટી પ્લેટફોર્મ ‘શેમારુ’ પર

હિરેન ગોસાઈ અને હિમાંશુ ગોસાઈ આ શોર્ટ ફિલ્મના પ્રોડ્યુસર્સ છે અને આશુ પટેલ તથા ખુશાલી દવે ક્રિએટિવ પ્રોડ્યુસર્સ છે

‘વાગલે કી દુનિયા’ ફેમ અભિનેત્રી માનસી પ્રભાકર જોશી મુખ્ય ભૂમિકામાં તો સદગત અભિનેતા જય વિઠલાણી, આર.જે. આકાશ, રીવા રાચ્છ અને ચૌલા દોશી આ ફિલ્મના સહ-કળાકારો છે

પ્રતિષ્ઠિત ઓટીટી પ્લેટફોર્મ ‘શેમારુ’ પર ગીતા માણેક લિખિત અને પ્રખ્યાત નાટ્યકાર વિરલ રાચ્છ દિગ્દર્શિત તેમ જ હિરેન ગોસાઈ, હિમાંશુ ગોસાઈ અને આશુ પટેલ નિર્મિત હિન્દી શોર્ટ ફિલ્મ ‘બેસ્ટ ફ્રેન્ડ’ તાજેતરમાં રિલીઝ થઈ છે.

‘શેમારુ’ની યુ ટ્યુબ ચેનલ પર આ ફિલ્મ દર્શકોને આકર્ષી રહી છે. આ ફિલ્મના ક્રિએટિવ પ્રોડ્યુસર્સ આશુ પટેલ અને ખુશાલી દવે છે.

અત્યંત સંવેદનશીલ વિષયને ઋજુતાથી સ્પર્શતી આ ફિલ્મમાં એક આધુનિક સ્ત્રીની વાત છે. યુવાન વયે પ્રેમાળ પતિ ગુમાવી બેઠેલી સ્ત્રીનું તન અને મન સતત ઝંખે છે એક સાથીને. આવી નાજુક પરિસ્થિતિઓનો સામનો કરી રહેલી તે મહિલા માટે તેની બેસ્ટ ફ્રેન્ડ મિત્રની સાથે-સાથે સહૃદય માર્ગદર્શક બને છે એની વાત આ ફિલ્મમાં રજૂ થઈ છે.

આજના ડિજીટલ યુગમાં હવે સંવેદનશીલ અને અર્થસભર વાર્તાઓ સ્ક્રીન પર રૂપાંતરિત થઈ રહી છે. ‘બેસ્ટ ફ્રેન્ડ’ આવી જ એક શોર્ટ ફિલ્મ છે જે જાણીતા સાહિત્યિક અને સત્ત્વશીલ વાંચન પીરસતા ભારતીય વિદ્યા ભવન દ્વારા પ્રકાશિત માસિક ‘નવનીત સમર્પણ’માં પ્રકાશિત નવલિકાનું સિનેમેટિક રૂપાંતરણ છે.
‘વાગલે કી દુનિયા’માં યામિની જોષીપુરાની ભૂમિકામાં તેમ જ મરાઠી નાટક સંગીત દેવબાભળી (જેમાં તેના અભિનયના જાણીતા એક્ટર પરેશ રાવલે પણ ભરપૂર વખાણ કર્યા છે) અને આનંદીબાઈ લાઈક કમેન્ટ શેઅર નાટકમાં જેને ગુજરાતી દર્શકોએ ખૂબ પ્રશંસા આપી છે તે માનસી પ્રભાકર જોશી આ ફિલ્મની મુખ્ય નાયિકા છે. આ ઉપરાંત જામનગરના ખૂબ જાણીતા અભિનેતા જેમનું થોડા સમય પહેલાં જ અવસાન થયું તે જય વિઠલાણી, આર.જે આકાશ, રીવા રાચ્છ અને ચૌલા દોશી સહ-કળાકારો છે.

આ શોર્ટ ફિલ્મ ‘શેમારુ’ની યુટ્યુબ ચેનલ પર નિઃશુલ્ક ઉપલબ્ધ છે. ઓટીટી પ્લેટફોર્મ તથા અન્ય ડિજીટલ માધ્યમોં પર અશ્લીલતા અને ગાળોની બોલબાલા છે ત્યારે સત્વશીલ અને સારું કન્ટેન્ટ જોવા ઇચ્છતા દર્શકો માટે આ ફિલ્મ એક સુંદર ઉપહાર બની રહે છે.

“આજના આધુનિક સમયમાં પણ સ્ત્રીની પ્રાકૃતિક જરૂરિયાતો સ્વીકારવાની છૂટ સમાજ આપતો નથી અને તેનું માનસિક કન્ડિશનિંગ એવું થયું હોચ છે કે એ અંગે સ્ત્રી પોતે પણ સભાન નથી હોતી. આને કારણે તે ઘણી વાર વિકટ સ્થિતિમાં મૂકાઈ જાય છે. આ ફિલ્મમાં આવી જ નારીના સંવેદનો ઝીલવાનો પ્રયાસ કર્યો છે” એવું ફિલ્મના લેખિકા ગીતા માણેકે જણાવ્યું હતું. ‘સરદાર ધ ગેમ ચેન્જર’ પુસ્તક અને એના પરથી બનેલી લોકપ્રિય ટેલિવિઝન સિરિયલ ઉપરાંત તેઓ નાટકો, નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ વગેરે લખવા માટે પણ જાણીતા છે.
સામાન્ય રીતે જૂની પેઢી નવી પેઢીને અણસમજુ અને ઉછાંછળી સમજતી રહી છે, પરંતુ આધુનિક સમયમાં આ માન્યતા બદલવી પડે એમ છે એવું આ ફિલ્મ જોઈને લાગશે

Leave a reply:

Your email address will not be published.

Site Footer