લેખક આશુ પટેલનું ચોપનમું પુસ્તક ‘જિંદગી અનલિમિટેડ’ પ્રકાશિત થયું
_____
લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સનાં ડિરેકટર હેલી મહેતા, આર્ટિસ્ટ રીની પટેલ, ઈન્ટરનેશનલ હેપીનેસ-વેલનેસ કોચ વૈશાલી ઠાકર, બૉલીવુડ ડિરેકટર ઉમેશ શુક્લ, એજ્યુકેશનલિસ્ટ ભાર્ગવ પટેલના હસ્તે આ પુસ્તકનું લોકાર્પણ થયું
_____
આશુ પટેલના નવાં પુસ્તક ‘જિંદગી અનલિમિટેડ’નું લોકાર્પણ 20 એપ્રિલની રાતે મુંબઈમાં
વિલેપાર્લેસ્થિત દીનાનાથ મંગેશકર ઓડિટોરિયમમાં થયું. તેમનું આ ચોપનમું પુસ્તક છે, જેનું પ્રકાશન પ્રતિષ્ઠિત પ્રકાશનગ્રુહ નવભારત સાહિત્ય મંદિર દ્વારા કરાયું છે.
લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સનાં ડિરેકટર હેલી મહેતા, આર્ટિસ્ટ રીની પટેલ, અબુધાબીથી આવેલાં ઈન્ટરનેશનલ હેપીનેસ એન્ડ વેલનેસ કોચ વૈશાલી ઠાકર તથા ‘ઓહ માય ગોડ’ અને ‘102 નોટ આઉટ’ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા પ્રખ્યાત બૉલીવુડ ડિરેકટર ઉમેશ શુક્લ, એજ્યુકેશનલિસ્ટ ભાર્ગવ પટેલ અને નવભારત સાહિત્ય મંદિરના માલિક અશોક શાહના હસ્તે આ પુસ્તકનું લોકાર્પણ કરાયું હતું. આ પુસ્તકમાં આશુ પટેલે લખેલા પ્રેરણાત્મક લેખોનો સંગ્રહ છે.
આ પ્રસંગે ફિલ્મ ડિરેક્ટર ઉમેશ શુક્લએ કહ્યું હતું કે ‘આશુભાઈના મોટા ભાગના પુસ્તકો બેસ્ટસેલર બન્યાં છે એમ આ પુસ્તકને પણ સફળતા મળે એવી શુભેચ્છા આપું છું.” તો ભાર્ગવ પટેલે આશુ પટેલની લેખનશૈલીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘54 પુસ્તકો લખવા એ બહુ મોટી વાત છે. આશુની કિશોરાવસ્થાથી હું તેને ઓળખું છું. દરેક પ્રકારના સંઘર્ષ વચ્ચે પણ તે લખતો રહ્યો છે.’
આશુ પટેલે કહ્યું હતું કે ‘આ પુસ્તક લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરનારા મિત્ર ભાર્ગવ પટેલનો તથા પાટીદાર સ્વજન સંસ્થાના તમામ મિત્રોનો, મારા પુસ્તકના લોકાર્પણ માટે લોનાવાલાથી એક દિવસ માટે ખાસ મુંબઈ આવેલા ફિલ્મ ડિરેક્ટર મિત્ર ઉમેશ શુક્લનો, આ પુસ્તકનું પ્રકાશન કરનારા મિત્ર અશોક શાહનો, ‘મુંબઈ સમાચાર’માં મારી પાસે આ કોલમની શરૂઆત કરાવનારા મિત્ર અને ‘મુંબઈ સમાચાર’ના તંત્રી નીલેશ દવેનો હું આભાર માનું છું.
ઉલ્લેખનીય છે કે આશુ પટેલની બેસ્ટસેલર અંગ્રેજી નૉવેલ ‘મૅડમ એક્સ’ પરથી પ્રખ્યાત ફિલ્મ ડિરેકટર તિગ્માંશુ ધુલિયા હિન્દી ફિલ્મ બનાવી રહ્યા છે. તો જાણીતા બૉલીવુડ ડિરેકટર જયંત ગીલાટરની ડેઈઝી શાહ, પ્રતિક ગાંધી સ્ટારર ‘ગુજરાત-11’ (ગુજરાત ઈલેવન) ફિલ્મમાં તેઓ ક્રિએટિવ પ્રોડ્યુસર હતા.
થોડા સમય અગાઉ તેમના રિસર્ચ, ઇન્વેસ્ટિગેશન અને જીવન પર આધારિત ઓડિયો થ્રિલર શૉ ‘ગેંગિસ્તાન’ રિલીઝ થયો. એ શૉમાં ‘સ્કેમ ૧૯૯૨’ ફેમ વિખ્યાત અભિનેતા પ્રતીક ગાંધીએ આશુ પટેલની ભૂમિકા કરી છે. કોઈ ટોચના અભિનેતાએ કોઈ પત્રકારની રિયલ લાઈફ પર આધારિત ભૂમિકા કરી હોય એવો આ સૌ પ્રથમ કિસ્સો છે. વિશ્વના સૌથી મોટા પોડકાસ્ટિંગ પ્લેટફોર્મ સ્પોટીફાય પર આ ઓડિયો થ્રિલર શૉ રિલીઝ થયા પછી એક જ અઠવાડિયામાં ભારતીય માર્કેટમાં મિલિયન્સ ઓફ શૉઝની વચ્ચે ત્રીજા નંબર પર પહોંચી ગયો હતો. એ શૉમાં આશુ પટેલની એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ ફ્રેન્ડની ભૂમિકા પ્રખ્યાત અભિનેત્રી સૈયમી ખેરે કરી છે તો બૉલીવુડ-ટીવીના લોકપ્રિય અભિનેતા દયાશંકર પાંડેએ ગેંગસ્ટર પપ્પુ ટકલાનો રોલ ભજવ્યો છે. આશુ પટેલ ડિસેમ્બર, ૨૦૨૧માં રિલીઝ થયેલી, બોલીવુડ ડિરેકટર જયંત ગીલાટર દિગ્દર્શિત, ગુજરાતી ફિલ્મ ‘હલકી ફૂલકી’ના ક્રિએટિવ ડિરેકટર અને સ્ક્રીનપ્લે રાઈટર છે. એ ફિલ્મમાં તેમણે આશુ પટેલ તરીકે જ એક મહત્વના સીનમાં અભિનય પણ કર્યો છે. જાણીતા ફિલ્મ ડિરેક્ટર જયંત ગીલાટરે આશુ પટેલની નોવેલ ‘બાત એક રાત કી’ પરથી હિન્દી વેબસિરિઝ એનાઉન્સ કરી છે.
____